RMCની અલગ અલગ આવાસ યોજનામાં SRP- પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી હાથ ધરાઇ
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે.
આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
તા. 20.12.25 શનિવાર નાં રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-2 વિભાગીય કચેરી હેઠળની માધાપર, બેડીનાકા અને રૈયા રોડ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે મહર્ષિદયાનંદ આવાસ, છત્રપતિ શિવાજી આવાસ, ડો. હેડગેવાર ટાઉનશીપ, રુખડીયાપારા, શાસ્ત્રીનગર, પરમેશ્વર સોસાયટી, આરએમસી આવાસ, સતાધાર પાર્ક, વીર હનુમાન ચોક, નાગેશ્વર વિસ્તાર, મફતીયાપરા, નવરંગપરા, ભોલેનાથ સોસાયટી, પરસાણાનગર, ભિસ્તીવાડ, વાલ્મીકીવાડી, તોપખાના હરીજનવાસ, સ્લમ ક્વાર્ટર વગેરેમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 39 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 921 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 82 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 21.61 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.નોંધનીય છે કે એપ્રિલ-25 થી તા. 20.12.25 ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ 43512 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 3982 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂૂ. 1486.01 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
