ટી-20 ક્રિકેટની શરૂૂઆતથી જ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ રમત પર પ્રભુત્વ ધરાવે છે અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી કિરોન પોલાર્ડ ફરી એકવાર સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા ઇંગ્લેન્ડના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે પોલાર્ડને પાછળ છોડી દીધો હતો, પરંતુ હવે તેણે ફરીથી નંબર-વન સ્થાન મેળવ્યું છે.
કિરોન પોલાર્ડ હાલમાં ચાલુ કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ માટે રમી રહ્યો છે. સેન્ટ લુસિયા કિંગ્સ સામેની મેચમાં કિરોન પોલાર્ડને જોસ બટલરને પાછળ છોડી દેવા માટે 35 રનની જરૂૂર હતી. તેણે માત્ર 26 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોલાર્ડે પોતાની કારકિર્દીમાં કુલ 749 ટી-20 મેચ રમી છે. જેમાં 666 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે અને 31.81 ની સરેરાશથી 14,921 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર જે હવે ફરી એકવાર આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે તેમણે 526 ટી20 મેચોની 426 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં 35.36 ની સરેરાશથી 14,890 રન બનાવ્યા છે.
ટી-20માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનમાં કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ) -14,921 રન, જોસ બટલર (ઈંગ્લેન્ડ) – 14,890 રન, ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 14,562 રન, એલેક્સ હેલ્સ (ઈંગ્લેન્ડ) – 14,489 રન, ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 14,284 રનનો સમાવેશ થાય છે
