રંગીલા રાજકોટ શહેરમાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો નોધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર, સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાનો સરેરાશ દર પ્રતિ 1 લાખની વસ્તીએ 12.4 છે, જ્યારે રંગીલા રાજકોટ શહેરમાં આ ચિંતાજનક દર વધીને 39.3 પર પહોંચ્યો છે. દેશના 53 મોટા શહેરોમાં રાજકોટ આત્મહત્યાના પ્રમાણમાં બીજા ક્રમે છે ત્યારે રાજકોટમાં માનસિક સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક દીવાદાંડી સમાન પહેલ શહેર પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે અને આ ગંભીર સામાજિક તથા માનસિક સમસ્યાને ડામવા અને હતાશ નાગરિકોને હૂંફ આપવા રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે ‘જીવન આસ્થા કેન્દ્ર’ (આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન) શરૂૂ કરવામાં આવી છે. જ્યાં રાજકોટમાં માનસિક સ્વાસ્થ્ય સુરક્ષા માટે જીવન આસ્થા કેન્દ્ર’ 24ડ્ઢ7 હેલ્પલાઈન મળશે.
જીવન આસ્થા કેન્દ્ર હેલ્પલાઈનનો શુભારંભ થતા આ કેન્દ્ર દ્વારા “નિરાશામાંથી આશા તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ” ના ઉદ્દેશ્ય સાથે 24 કલાક અવિરત સેવા પૂરી પાડવામાં આવશે. આ હેલ્પલાઈનની મુખ્ય વિશેષતાઓમાં 24સ7 કાર્યરતતા, અનુભવી કાઉન્સિલર્સ અને પ્રશિક્ષિત પોલીસકર્મીઓની ટીમ દ્વારા માર્ગદર્શન, તથા ફોન કરનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ગોપનીયતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોઈપણ અત્યંત કટોકટીની સ્થિતિમાં કોલ કરનારનું લોકેશન ટ્રેક કરીને તાત્કાલિક નજીકની પી.સી.આર. વાન મોકલીને નાગરિકોનો અમૂલ્ય જીવ બચાવવાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
આર્થિક સંકડામણ, અભ્યાસનું ભારણ, કૌટુંબિક વિખવાદ કે અન્ય કોઈ માનસિક તણાવથી ઘેરાયેલા યુવાનો અને નાગરિકો કોઈપણ આતમઘાતી પગલું ભરતા પહેલા હેલ્પલાઈન નંબર 9712347744 અથવા પોલીસ કંટ્રોલ રૂૂમ નંબર 112 પર નિ:સંકોચ સંપર્ક કરી શકે છે. “તમારું જીવન અમૂલ્ય છે, દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા સંભવ છે” તેવો સંદેશ પાઠવતા રાજકોટ શહેર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મુશ્કેલ સમયમાં જીવન આસ્થા કેન્દ્રને અવશ્ય એક તક આપો.
જીવન આસ્થા કેન્દ્રના શુભારંભ પ્રસંગે કલેકટર ઓમ પ્રકાશ ઉપરાંત પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક,જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તેમજ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
