ટ્રેનિંગમાં જતા વહેલી સવારે અજાણ્યો રિક્ષા ચાલક ટક્કર મારી નાસી છૂટયો
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા પટેલનગર શેરી નં. 3માં રહેતો અને તાજેતરમાં જ પોલીસદળમાં ભરતી થયેલો 24 વર્ષીય યુવાન કેયુરભાઈ શૈલેષભાઈ રામાણી (પટેલ) આજે સવારે પાંચેક વાગ્યે પોતાના એક્ટિવા પર સવાર થઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન જવાહર રોડ પર આવેલા આર. વર્લ્ડ સિનેમા નજીક પૂરઝડપે આવી રહેલા એક રિક્ષાચાલકે તેના વાહનને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં કેયુરભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ અવસાન થયું હતું.
મૃતક કેયુરભાઈ તાજેતરમાં જ પોલીસ વિભાગમાં જોડાયા હતા અને હાલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. તેમની મવડી હેડક્વાર્ટર ખાતે છેલ્લા ચાર મહિનાથી ટ્રેનિંગ ચાલુ હતી અને રોજની જેમ આજે સવારે પણ તેઓ ટ્રેનિંગ માટે જ ઘરથી નીકળ્યા હતા, ત્યારે જ આ કરૂૂણ અકસ્માત સર્જાયો હતો. પરિવારની વાત કરીએ તો, કેયુર બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેના પિતા જ્યુબિલિ બાગ વિસ્તારમાં શાકભાજીનો થડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારના યુવાન અને હોનહાર દિલ દીકરાના અચાનક અવસાનથી સમગ્ર પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે.
આ દુર્ઘટના બાદ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે, ઇજાગ્રસ્ત કેયુરભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે તબીબો દ્વારા સારવાર કરવામાં ઘણો વિલંબ કરવામાં આવ્યો હતો. સમયસર યોગ્ય સારવાર ન મળવાને કારણે જ તેમને બાદમાં ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આ સમગ્ર ગમખ્વાર ઘટના અંગે પ્ર. નગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગુનો નોંધીને ફરાર રિક્ષાચાલકને ઝડપી પાડવા અને આ મામલે કાયદેસરની વધુ તપાસ શરૂૂ કરી છે.
રાજકોટમાં લાંબા સમયથી રીક્ષા ચાલકો બેફામ બની કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે. દરેક ટ્રાફિક સિગ્નલે ટ્રાફિક જામ કરવાથી માંડી સિગ્નલ બંધ હોવા છતાં જોખમી રીતે રીક્ષા ચલાવવા, આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિકજામ કરવા સહીતનો ત્રાસ રોજીંદો બની ગયો છે. પરંતુ રાજકોટ પોલીસે જાણે રીક્ષા ચાલકો સાથે સમજુતી કરી લીધી હોય તેવી સ્થિતિ છે.
પાટીદાર ચોક પાસે બાઇક પરથી પટકાતા સંગીત શિક્ષકનું મૃત્યુ
શહેરના પાટીદાર ચોકમાં રહેતા સંગીત શિક્ષકનું બાઇક પરથી પડી જતા માથાના ભાગે ઇજા થતા મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ પાટીદાર ચોકમાં વેસ્ટ વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા સંગીત શિક્ષક મિલનભાઇ શશીભાઇ વ્યાસ (ઉ.વ.69) નામના વૃધ્ધ આજે સવારે ઇન્દીરા સર્કલ પાસે આવેલી પોતાની ઓફીસેથી બાઇક લઇ ઘરે આવતા હતા ત્યારે ઘર નજીક પહોંચતા બાઇક પરથી પડી જતા તેમને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું છે. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇમાં મોટા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
