રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાંભળતી પોલીસ જ અસલામત હોય તેવી ઘટના બની છે.પોલીસ પર હુમલો કરી ફરાર થયેલ માજીદ ઉર્ફે ભાણુંને પકડવા ગયેલ પ્ર.નગર પોલીસ મથકના બે પોલીસ જવાન પર ફરીવાર છરીથી હુમલો કરી આરોપી ભાગી ગયા હતા.જ્યારે હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાતા તેમને સારવારમાં ખસેડાયા હતાં.આ મામલે પ્ર. નગર પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો અનુસાર,પ્ર.નગર પોલીસ મથકમાં સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતાં પોલીસ જવાન વનરાજભાઈ કાઠી અને રિયાઝભાઈ બંને ગઈકાલે રાત્રે ભીસ્તીવાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેને પ્ર. નગર પોલીસ મથકના સ્ટાફ પર હુમલામાં ફરાર કુખ્યાત આરોપી માજીદ ઉર્ફે ભાણું અને શાહનવાઝ નામનો શખ્સ ત્યાં રસ્તામાં જોવા મળતાં બંને પોલીસ જવાન તેને પકડવા તેમની પાછળ દોડ્યા હતા.આ દરમિયાન આરોપી માજીદ ઉર્ફે ભાણું સહિતના બે શખ્સોએ બંને પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી છરીથી હુમલો કરી દીધો હતો.બાદમાં બંને આરોપી ત્યાંથી ફરાર થયા હતાં.
આરોપીએ કરેલ હુમલામાં ઘવાયેલા પોલીસ જવાનને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જો કે, હાલ તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસ પર હુમલો કરી નાસી છૂટેલા આરોપીને પકડવા પ્ર. નગર પોલીસ,ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની ટીમોએ કવાયત શરૂૂ કરી છે.જો કે, આરોપી હજું સુધી પોલીસ પકડમાં આવ્યો નથી.આવા કુખ્યાત શખ્સો સામે ગુજસીટોક તેમજ સંગઠિત ગુનાની કલમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 3 ફેબ્રુઆરીનાં રોજ થયેલી ફરીયાદને અનુસંધાને પ્રનગર પોલીસ ગુજસીટોકના આરોપી અને હાલ જામીન પર છુટેલા નામચીન શખ્સ માજીદ ભાણુને જામનગર રોડ પર આવેલા સાંઢીયાપુલ નજીક સ્લમ કવાર્ટરમા પકડવા ગઇ ત્યારે તેમણે પોલીસ પર હુમલો કરી ફરજમા રૂકાવટ કરી હતી અને ધમકી આપી હતી કે અમારા વિસ્તારમા કેમ આવ્યા તેમજ પોલીસના વાહનોમા પણ તોડફોડ કરી હતી. આ ઘટનામા અગાઉ 6 શખ્સો ઝડપાય ગયા બાદ માજીદ ભાણુ ફરાર હતો ત્યારે ગઇકાલે પોલીસને મળેલી બાતમીને આધારે પકડવા ગયેલી પોલીસ પર માજીદ ભાણુ અને તેમના સાગ્રીત શાહનવાઝે ફરી વખત હુમલો કરતા ચકચાર મચી ગઇ છે.