ભાવનગરમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલી પોલીસે રીઢા આરોપીને ઝડપી લીધો

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને મચ્છી વેચવાનો વ્યવસાય કરતા એક વ્યક્તિને છરી બતાવી કાનની બુટ્ટી લૂંટી લેવાના ગંભીર ગુનાનો ભેદ ભાવનગર લોકલ…

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને મચ્છી વેચવાનો વ્યવસાય કરતા એક વ્યક્તિને છરી બતાવી કાનની બુટ્ટી લૂંટી લેવાના ગંભીર ગુનાનો ભેદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટ કરનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે ગઈ તા. 20/2/2026ના રોજ શહેરના વડવા માઢીયા ફળી સબ સ્ટેશન વાળી શેરીમાં મચ્છી વેચતા ફરિયાદી પાસે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. આ 25 થી 30 વર્ષની વયના શખ્સે ફરિયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરી પૂર્વક ફરિયાદીના ડાબા કાનની સોનાની બુટ્ટી (કાપ) ખેંચી લેતા કાનમાં ગંભીર ઈજા થઈ હતી, જેમાં ફરિયાદીને પ ટાકા આવ્યા હતા. એક તોલા વજનના સોનાના ઘરેણાની લૂંટ કરી આરોપી નાસી છૂટ્યો હતો.

આ વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા મ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના હેઠળ એલ.સી.બી. પી.આઈ. એ.આર. વાળા અને તેમની ટીમ છેલ્લા 15 દિવસથી કાર્યરત હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના આધારે પોલીસને માહિતી મળી હતી કે અગાઉ લૂંટ અને ચોરીમાં સંડોવાયેલ એક ઇસમ આ ગુનામાં સામેલ છે.

માહિતીના આધારે પોલીસે શાહનવાજ કરીમભાઈ હાલા (ઉ.વ. 29, રહે. વડવા, વરતેજીયા ફળી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતી. નિલમબાગ પોલીસ દ્વારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ યોજાયેલી ઓળખ પરેડમાં ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો છે.આરોપી શાહનવાજ અગાઉ જૂનાગઢ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ઘરફોડ ચોરી તેમજ ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી અને એક્સિડન્ટ જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, એઝાઝખાન પઠાણ અને જયદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *