પરસોત્તમ સોલંકીના ધોકા ઉપાડવાના નિવેદન સામે આહીર સેના મેદાને

સોશિયલ મીડિયામાં વાયરલ પત્રમાં સરકારને પૂછયૂ વેધક સવાલો, બગદાણા વિવાદમાં નવો વળાંક બગદાણાના કોળી યુવક પર હુમલાના કેસમાં કોળી સમાજના આક્રોશના પગલે પોલીસે લોકકલાકાર માયાભાઈ…

સોશિયલ મીડિયામાં વાયરલ પત્રમાં સરકારને પૂછયૂ વેધક સવાલો, બગદાણા વિવાદમાં નવો વળાંક

બગદાણાના કોળી યુવક પર હુમલાના કેસમાં કોળી સમાજના આક્રોશના પગલે પોલીસે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે. જો કે કોળી સમાજના ધારાસભ્ય પરષોત્તમ સોલંકી દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને પગલે આહીર સેનામાં ભારે રોષ જોવા મળ્યો છે.
હકીકતમાં ગત 25 જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી આક્રામક જોવા મળ્યા હતા.

મંચ પરથી સંબોધન કરતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે ધોકા દેવાની જરૂૂર જણાશે, તો આ પરસોત્તમ સોલંકી ધોકા પણ ઉપાડશે.તમે કોઈ ચિંતા કરતાં નહીં. આવી જજો મારા બંગલે હું ભાવનગર રહું છું. ગાંધીનગર હોઉં જ છું. તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતાં હોય છે, પરંતું મને એ નથી આવડતું. હું રાજકારણ કરતો નથી.

પરસોત્તમ સોલંકી દ્વારા સમુહલગ્નના મંચ પરથી કરવામાં આવેલી આ ટિપ્પણી માત્ર ભાષણ પુરતી સિમિત ના રહીને તેને એક ચેતવણી સૂચક માનવામાં આવી રહ્યું છે. જેને લઈને હવે આહીર સમાજ પણ મેદાનમાં આવ્યો છે. જેમાં પરસોત્તમ સોલંકીની સાથે-સાથે સરકાર પર પણ કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ પત્રમાં જણાવાયું છે કે, બગદાણાની બબાલમાં જયરાજ આહીરની ધરપકડ થઈ, ત્યાં સુધી આહીર સમાજ ચૂપ રહ્યો. આહીર અને કોળી સમાજ સામ-સામે ના આવે તે માટે ભરપુર પ્રયત્ન કરવામાં આવ્યા. જો કે તાજેતરમાં જ પરસોત્તમ સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં તેઓ ખુલ્લેઆમ ધોકા ઉપાડવાની અને તમારા મત નથી જોઈતા તેવું બોલતા જણાય છે.

તો શું પરસોત્તમ સોલંકી માત્ર કોળી સમાજના મતથી જ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બન્યા છે? શું મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી દ્વારા પરસોત્તમ સોલંકીને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. શું ગુજરાતની સરકાર ભાવનગરથી ચાલી રહી છે? પરસોત્તમ સોલંકી બન્ને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગે છે. પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે આહીર સેના ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. આ અંગે મોરબી આહીર સેનાના આગેવા મહેન્દ્ર કછોટે જણાવ્યું કે, સરકાર વ્યવસ્થિત કામગીરી કરતી હોય, તો પરસોત્તમ સોલંકીએ ધોકા ઉપાડવા જેવી વાત કરવાની શું જરૂૂર છે? સત્તાધારી પક્ષ ભાજપના એખ જવાબદાર મંત્રી આવી ભાષા વાપરે ત્યારે સમાજમાં ખોટો સંદેશ જાય છે.

આવા નિવેદનોથી બે સમાજો વચ્ચે વૈમનસ્ય ઉભુ થવાની અને ઘર્ષણ થવાની શક્યતા છે. આથી પરસોત્તમ સોલંકી ’ધોકા ઉપાડવા’ જેવો શબ્દ કોના માટે અને ક્યા કારણસર વાપરી રહ્યા છે, તેની સ્પષ્ટતા કરવી જોઈએ. બન્ને સમાજ કોઈ પણ ભોગે સામસામે ના આવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *