જસદણના વીરપરમાં ફાર્મહાઉસમાં જુગાર કલબ ઉપર SMCનો દરોડો

જસદણના વીરપર ગામે રાજકોટના શખ્સના ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતી 3 મહિલા સહીત 11 જુગારીઓને ઝડપી લીધા…

જસદણના વીરપર ગામે રાજકોટના શખ્સના ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતી 3 મહિલા સહીત 11 જુગારીઓને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે રૂ.5.13 લાખની રોકડ સહીત રૂ.20.80 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે. શ્રાવણ માસ પૂર્વે શરૂ થયેલી આ જુગાર ક્લબમાં સૌરાષ્ટ્રભર માંથી જુગારીઓ જુગાર રમવા આવતા હોવાનું સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસમાં બહાર આવ્યું છે.ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ધમધમતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવા માટે ડીજીપી જી.એસ. મલિક દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉચ્ચસ્તરીય સૂચનાઓના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને રાજ્યભરમાં સક્રિય રહેવા અને બાતમીના આધારે દરોડા પાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઈ આર.કે. કરમટા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ જીલ્લાના જસદણ નજીક ભાડલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વીરપર ગામની સીમમાં દલસુખ રત્નાભાઈ પરમારના ફાર્મહાઉસમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.

ફાર્મહાઉસના માલિક મુખ્ય આરોપી રાજકોટના દલસુખભાઈ રત્નાભાઈ પરમાર સાથે જુગાર રમવા આવેલ ત્રણ મહિલા ઉપરાંત નથુભાઈ નારણભાઈ કાબરીયા (રહે. જામ ખંભાળીયા), ધનાભાઈ અજાભાઈ લાંબરીયા (રહે. હસથળ ગામ, જામ ખંભાળીયા), સંદીપભાઈ સાંમતભાઈ નાંગેશ (રહે. મોટા વડાળા, કાલાવડ), દેશુરભાઈ મનુભાઈ બસીયા (રહે. રોજીયા, પડધરી), મુનેશ ઉર્ફે મુન્નો જીણાભાઈ સાસકીયા (રહે. ઢાંઢીયા), જુગાર રમાડનાર વિક્રમભાઈ મોતીભાઈ આલ (રહે. રેલનગર, રાજકોટ) તથા ધર્મેન્દ્રપરી અશ્વિનપરી ગોસ્વામી (રહે. કોઠારીયા, રાજકોટ) સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 મહિલા આરોપીઓને નિયમ અનુસાર નોટિસ આપવામાં આવી છે.સ્થળેથી જુગાર રમતા અને રમાડતા ઈસમો પાસેથી રોકડ રકમ રૂપિયા 5,13,600 તેમજ જુગાર રમવાના સાહિત્ય અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 20,80,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આાચાનક થયેલી કાર્યવાહીથી જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ જુગારક્લબ મંજુરીથી ચાલતી હતી કે કેમ? તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ હવે જસદણ અને ભાડલા સ્થાનિક પોલીસ સામે આગામી દિવસોમાં પગલા લેવાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *