ગણેશોત્સવના પગલે પોલીસ સજજ: ડ્રોન- સીસીટીવીથી નજર રખાશે

રાજ્યભરમાં આગામી ગણેશોત્સવનો પર્વ શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી સમગ્ર ગુજરાત પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કાયદો અને…

રાજ્યભરમાં આગામી ગણેશોત્સવનો પર્વ શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી સમગ્ર ગુજરાત પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે એક ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીના તમામ આયોજનો માટે સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર માહિતી મેળવી જરૂૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

ગણેશોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ગણેશ આગમન અને વિસર્જન સરઘસના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા તેમજ રાત્રિના સમયે ડ્રોન કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ભીડ નિયંત્રણ અને વાહનવ્યવહારની સુગમતા માટે ટ્રાફિક ડાયવર્ઝન તથા ચોવીસે કલાક રાઉન્ડ-ધ-ક્લોક રોડ પેટ્રોલીંગ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં સ્થાનિક લોકોનો સાથ મળી રહે તે માટે સ્થાનિક શાંતિ સમિતિઓ અને ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠકો યોજી પરસ્પર સહયોગ સાધવા અધિકારીઓને આદેશ અપાયા છે.

રાજ્યમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં થતી હોવાથી ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરતના અલગ-અલગ વિસ્તારોમાં 70 હજારથી વધુ ગણપતિ મંડળો આયોજન કરે છે. આ સંદર્ભે ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જામીરને ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુરતના અલગ અલગ વિસ્તારમાં વિશેષ નાઈટ કોમ્બિંગ અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા નિર્દેશ અપાયા છે.

ધાર્મિક માહોલ બગડવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાયવાહી થશે: ડીજીપી
ગણેશોત્સવ દરમિયાન સોશિયલ મીડિયા પર ભડકાઉ સંદેશા કે અફવાઓ ફેલાવી ભાઈચારો બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ લાલ આંખ કરશે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્પષ્ટ સૂચના આપી છે કે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાનૂની કલમો હેઠળ પગલાં લેવાશે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ , ટીયર ગેસ અને રાયોટ કંટ્રોલ વાહનો સાથે પોલીસ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમજ ઇમરજન્સી સેવાઓ માટે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ સાથે પણ યોગ્ય સંકલન સાધવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રાજ્યના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તહેવારની ઉજવણી દરમિયાન શાંતિ જાળવે, સોશિયલ મીડિયા પર આવતી કોઈપણ અફવા કે ભડકાઉ મેસેજને આગળ ન ધપાવે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂૂમને જાણ કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *