19 લાખની લૂંટ પ્રકરણમાં પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા પેઢીમાં ગઈકાલે સવારે અંદાજીત સાડા દસેક વાગ્યે બે અજાણ્યા શખ્સોએ ઘુસીને પિસ્તોલ બતાવી રૂૂ. 19 લાખની રોકડ ભરેલા થેલા સાથે લૂંટ ચલાવી હતી. બંને લૂંટારુંઓ બાઈક પર સવાર થઈને સંતકબીર રોડ થઈને હાઇવે તરફ ફરાર થઈ ગયા હતા.

આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, એસીપી, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અજીતસિંહ ચાવડા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સી.એચ. જાદવ અને બી ડિવિઝન પીઆઇ જી.આર. ચૌહાણ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આંગડિયા પેઢીમાં હાજર કર્મચારી અલકેશ ગિરીશભાઈ દવે (રહે. ન્યુ જાગનાથ, યાજ્ઞિક રોડ) નું વિગતવાર નિવેદન નોંધીને તેના આધારે ગુનો નોંધવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી અલકેશભાઈએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં આખી ઘટનાનો ક્રમ જણાવતા કહ્યું હતું કે, આ પ્રાઈમ આંગડિયા પેઢીના મુખ્ય સંચાલક જયેશભાઈ ઓઝા છે અને તેઓ ઘણા લાંબા સમયથી આ પેઢીમાં પ્રમાણિકતાથી નોકરી કરે છે. ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ ઘરેથી પૈસાના થેલા લઈને નીકળ્યા હતા અને તેમાંથી એક થેલો ગોંડલ રોડ પર આવેલા સમૃદ્ધિ ભવનની શાખામાં મૂકવા ગયા હતા.

ત્યાંથી તેઓ અંદાજીત સવારે 10:20 વાગ્યાની આસપાસ પટેલવાડી પાસે પહોંચ્યા હતા અને પોતાની ઓફિસ ખોલીને અંદર ગયા બાદ એક થેલો ત્યાં સુરક્ષિત મૂક્યો હતો. તેઓ કંઈ વિચારે કે સમજે તે પહેલા જ અંદર એક અજાણ્યો શખ્સ ઘસી આવ્યો હતો અને ’બે પેટીનું આંગડિયું કરવાનું છે’ તેમ કહ્યું હતું. આ વાતચીત ચાલુ હતી ત્યાં જ બીજો શખ્સ પણ ઓફિસમાં અંદર આવી પહોંચ્યો હતો અને તુરંત જ કર્મચારીનો કાટલો પકડીને લમણે બંદૂક તાકી દીધી હતી. ગભરાયેલા કર્મચારીને કંઈ સમજવાનો મોકો આપ્યા વિના જ આરોપીઓએ ત્યાં પડેલો અંદાજીત રૂૂ. 19 લાખની રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો અને પળભરમાં બાઈક પર સવાર થઈને સંતકબીર રોડ તરફ નાસી છૂટ્યા હતા.

આ ગંભીર ગુનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આસપાસના વિસ્તારોના અંદાજીત 100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લૂંટારુંઓની ઓળખ કરવા અને તેમના રૂૂટને ટ્રેસ કરવા માટે સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને લૂંટારુંઓ રાજકોટ-અમદાવાદ હાઇવે તરફ ભાગી ગયા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસે હાઇવે પરના માર્ગો અને શંકાસ્પદ સ્થળો પર નાકાબંધી સઘન બનાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરાર થઈ ગયેલા બંને ઇસમોને ઝડપથી પકડી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *