ગૃહ વિભાગે 16 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડી રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુ ઉપર પ્રતિબંધ ફરમાવ્યા બાદ રાજકોટ શહેરમા 4 અને જીલ્લામા ર મળી છ દરોડામા છ વેપારીની ધરપકડ કરી હતી.
શહેરના રેલનગરમા માધવ પાન નામની દુકાનમા એસઓજીની ટીમે દરોડો પાડી ગોગો પેપરનાં રૂ. 1200 ની કિંમતનાં બે બોકસ સાથે અનીલ રામભાઇ ફતેપરાની ધરપકડ કરી હતી જયારે ભક્તિનગર પોલીસે પટેલનગર શેરી-2માં ગોપાલ પાનની દુકાન ચલાવતા નરેન્દ્ર લક્ષમણભાઈ જાનીયાનીને ત્યાં તપાસ કરતા 32 ગોગો સ્મોકિંગ રોલ મળી આવ્યા હતા.જેથી દુકાનદાર નરેન્દ્ર સામે બીએનએસ કલમ 223 હેઠળ કાર્યવાહી કરી હતી. તેમજ રામનાથપરામાં રહેતા રહીશ અહેમદ જિલ્લાણીના જંગલેશ્વર મેઈન રોડ પર કાદરી પાનની દુકાને દરોડો પાડતા 34 જેટલી ગોગો સ્મોકિંગ રોલ પટ્ટી મળી આવતા તેમની સામે ગુનો નોંધાયો હતો. ત્રીજા દરોડામા ભકિતનગર પોલીસે સહકાર નગર મેઇન રોડ ત્રીશુલ ચોક પાસે આવેલા ત્રીશુલ પાનની દુકાન ધરાવતા દુકાનના સંચાલક ભાવેશ સુરેશભાઇ બથવારને 40 જેટલી ગોગો સ્મોકીંગ રોલ સાથે ઝડપી તેમની સાથે ગુનો નોંધવામા આવ્યો હતો.
જ્યારે જિલ્લામાં એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સપેક્ટર એફ.એ.પારગી અને તેમની ટીમે અલગ અલગ ટીમો બનાવી જીલ્લા ભરમાં આવા પાનના ગલ્લા કે દુકાનદારોને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં જસદણ નવા બસટેન્ડ આગળ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં બ્લુ સ્ટાર પાનના ગલ્લે ચેક કરતા ત્યાંથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન સહીતનો મુદ્દામાલ કબજે કરી જસદણ છત્રી બજારમાં રહેતા દુકાનદાર શાહનવાજ ઉર્ફે સાનુ હારૂૂનભાઇ આકબાણીની ધરપકડ કરી હતી.
જયારે બીજા દરોડામાં શાપર વેરાવળમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ બાજુમાં રાધે ડિલક્ક્ષ પાનના ગલ્લે ચેક કરતા ત્યાંથી પણ પ્રતિબંધિત લીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન સહીતનો મુદ્દામાલ મળી આવતા ભક્તિધામ સોસાયટી શેરી ન.3માં રહેતા મૂળ ઓડીશાના બાલેશ્વર જીલ્લાના પચ્છિબાડના વતની દુકાનદાર કરુણાકર અમુલ્યકુમાર બહેરાની ધરપકડ કરી હતી.
