ગોંડલ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા ’એક્શન પ્લાન’ અમલી બનાવવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી, ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરના માર્ગો પર પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો છે. ગોંડલ શહેરના ’એ’ અને ’બી’ બંને ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.
પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આશાપુરા ચોકડી પર ચેકપોસ્ટ ઉભી કરીને તમામ નાના-મોટા વાહનોનું ચેકિંગ કરાયું હતું. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે. મુખ્ય બજારો, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ પોલીસ કાફલાએ પરિભ્રમણ કર્યું હતું.
વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો અને નિયમભંગ કરનારાઓને ઓનલાઇન મેમો (ઈ-ચલણ) પણ ફટકારવામાં આવ્યા હતા.
ચૂંટણી પૂર્વે પોલીસની આ સઘન કામગીરીથી ગુનેગારોમાં ભયનો માહોલ છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધી છે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
