જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્ત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી પોલીસ દ્વારા ગતરાત્રિના ગોકુલનગર અને પાણાખાણ વિસ્તારમાં મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. સીટી ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન કામગીરી દરમિયાન પ્રોહિબિશનના પાંચ ગુનાઓ નોંધવા ઉપરાંત વાહનચેકિંગ, બુટલેગરોની તપાસ અને હિસ્ટ્રીશીટરોની ચકાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની (આઈ.પી.એસ.)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શનથી આ કોમ્બિંગ નાઈટ યોજાઈ હતી. જેમાં સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. ઝાલા, કે.એચ. ચાવડા સહિતના પોલીસ સ્ટાફે ગોકુલનગર અને પાણાખાણ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન પ્રોહિબિશનના કુલ પાંચ કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે પ્રોહિબિશન સંબંધિત છ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ સાત વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા એક એમ.સી.આર. ઇસમ, આઠ પ્રોહિબિશનના ધંધાર્થીઓ તથા બે હિસ્ટ્રીશીટરોની પણ ચકાસણી કરવામાં આવી હતી. એક ટપોરી અને અસામાજિક તત્ત્વની પણ તપાસ કરવામાં આવી હતી.
કોમ્બિંગ નાઈટ દરમિયાન ટ્રાફિક નિયમોના પાલન માટે પણ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 50 વાહનોની તપાસ કરતાં કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ વગર વાહન ચલાવવા તથા નંબર પ્લેટ વગર વાહન ચલાવવા જેવી ગેરરીતિઓ બદલ નવ મેમો આપવામાં આવ્યા હતા અને સ્થળ પર જ રૂૂ. 3,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
