જામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલો

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના બનાવમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય…

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના બનાવમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)-2023ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર બનાવની વધુ તપાસ મેઘપર (પડાણા) પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ સ્થાનિક ગુના શોધક શાખા (એલ.સી.બી.)ની ટીમ પડાણા ગામ નજીક દેશી દારૂ અંગે બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખાતી ડાઈબેન રામાભાઈ માલજીભાઈ સોરીયાને દેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી હતી.
આરોપ છે કે પોતાની સામે પોલીસ કાર્યવાહી થતાં ડાઈબેને મેહુલસિંહ ઉર્ફે મુન્નાભાઈ મનુભા જાડેજા અને દશરથસિંહ તખુભા જાડેજાને પોલીસ પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા, તથા પોતાને છોડી મૂકવા અને કેસ નહીં કરવા જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ત્યારબાદ બંને આરોપીઓ બનાવસ્થળે પહોંચ્યા હતા અને ફોરચ્યુનર કાર (રજિસ્ટ્રેશન નંબર જીજે-11-ડીબી-0999) પોલીસની ખાનગી કારના પાછળના ભાગે અથડાવી નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી રાજ્યસેવકોની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ડાઈબેન રામાભાઈ માલજીભાઈ સોરીયા, મેહુલસિંહ ઉર્ફે મુન્નાભાઈ મનુભા જાડેજા અને દશરથસિંહ તખુભા જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 121(1), 221, 324(4) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *