ત્રણ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા : ત્રણ મહિલા સહિત 20થી વધુ શખ્સો સામે ફરિયાદ
ભાવનગરના વેળાવદર પોલીસ મથક હેઠળ આવતા જસવંતપુરા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતાજીના મઢે દર્શન કરવાના બહાને એકઠા થયેલા અને ત્યાં જુગાર રમી રહેલા 20 શખ્સોના ટોળાએ ત્રણ પોલીસ કોન્સ્ટેબલો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ત્રણ મહિલા સહિત ભાવનગરના 20 થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ભાવનગર શહેર ના ખેડૂતવાસ અને કરચલીયા પરા વિસ્તારમાંથી આશરે 20 લોકો ટેમ્પો ભરીને ભાલ પંથકના જસવંતપુરા ગામે સિકોતેર માતાજીના મઢે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ આ શખ્સો ત્યાં જુગારની બાજી માંડીને બેઠા હતા. આ અંગેની ગુપ્ત બાતમી વેળાવદર ભાલ પોલીસને મળતા પોલીસની ટીમ સ્થળ પર દરોડો પાડવા પહોંચી હતી.
દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ટોળાએ પોલીસને જોતા જ ઉશ્કેરાઈ જઈ હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ, અભેસંગભાઈ ભાવસંગભાઈ પરમાર અને પ્રતિપાલસિંહ ધ્રુપતસિંહ સરવૈયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લક્કીરાજસિંહને માથાના ભાગે અને અન્ય કોન્સ્ટેબલોને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ ની જાણ થતા જ વેળાવદર પોલીસ તેમજ એલ.સી.બી. પોલીસનો મોટો કાફલો એક્શન મોડમાં આવી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી જસવંતપુરા ગામેથી હુમલાખોર અને જુગાર રમતા અંદાજે 20 શખ્સોની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વેળાવદર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ લકીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલે ત્રણ મહિલા સહિત 20 થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં ભાવનગરના રાકેશ રાજુભાઈ ડાભી, નિલેશ હરજી મકવાણા, હાર્દિક મનસુખભાઇ મકવાણા, મહેન્દ્ર કાનજીભાઈ ચુડાસમા, રમુભાઈ વાલજીભાઇ મકવાણા, હિરેન હસમુખભાઈ ચૌહાણ, રાજેશ છનાભાઇ ચૌહાણ, મનસુખ વાલજી મકવાણા, વિજય બટુકભાઈ ચુડાસમા, મહેશ હરજી મકવાણા , રાહુલ રાજેશ ગુજરીયા , ક્રિષ્નાબેન મનસુખભાઈ મકવાણા , રીંકલબેન હાર્દીકભાઈ મકવાણા , હસમુખ વિઠ્ઠલભાઈ ચૌહાણ , સુનીલ રમેશભાઇ સોલંકી, અશ્ર્વીન ધનજીભાઈ ઢાપા, રમુભાઈ વાલજીભાઇ મકવાણા, અમિતાબેન હીરેનભાઇ ચૌહાણ, નયના રાકેશભાઇ ડાભી, બીજા અજાણ્યા માણસો નો સમાવેશ થાય છે.
ભાવનગરમાં 6 માસમાં 3 હુમલા: સુરક્ષા સામે સવાલ
ભાવનગરમાં છેલ્લા 6 મહિનામાં પોલીસ પર હુમલાની આ ત્રીજી ઘટના છે. અગાઉ નિલમબાગ પોલીસ અને જેસર પોલીસ પર પણ અસામાજિક તત્વો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. એસ.પી. દ્વારા કડક સૂચના હોવા છતાં અસામાજિક તત્વોમાં પોલીસનો ભય ઓછો થઈ રહ્યો હોય તેવી ચર્ચા લોકોમાં જાગી છે.
