નવરાત્રીના તહેવારો દરમિયાન જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે, તથા અનિચ્છનીય બનાવો ’ન’ બને તે માટે જામનગર પોલીસે તકેદારી ના ભાગરૂૂપે સંવેદનશીલ સુમરાચાલી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની સૂચના થી અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ ગણાતા સુમરાચાલી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. કોમ્બિંગ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને લિસ્ટેડ બૂટલેગર મોહમદ ઇકબાલ ખફી ઉર્ફે ઇકબાલ ટકી ના વાડા તથા ઘરે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.
આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની જાતે રાત્રિના સમયે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે શહેરનાં વિવિધ પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા નવરાત્રિ મહોત્સવના સ્થળોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત શહેરના અન્ય મહત્ત્વના માર્ગો પર પણ રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા, સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. પોલીસ અધિકારીઓએ ગરબાનાં સ્થળો તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અસામાજિક તત્ત્વો પર નિયંત્રણ રહે અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ વધુ સઘન બનાવવામાં આવી છે.
