સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પ્રવાસથી રાજકીય ગરમાવો
રાજયસભામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો માહોલ જામી રહ્યો છે. તેવા સમયે વડાપ્રધાન મોદી આગામી તા.31ના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાની અને નવરચિત વાવ-થરાદ જીલ્લામાં જાહેરસભાનું પણ આયોજન ગોઠવાય રહ્યાનું જાણવા મળે છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોદીના એક દિવસીય પ્રવાસનું આયોજન હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
આ પ્રવાસની સૌથી મહત્વની બાબત એ છે કે, વડાપ્રધાન નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. આગામી 31મી તારીખે મોદી આ નવા જિલ્લામાં એક જંગી સભાને સંબોધિત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવરચિત જિલ્લાની જાહેરાત બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ અન્ય કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરી શકે છે. ઉત્તર ગુજરાતના આ મહત્વના પટ્ટામાં ઙખની હાજરીથી પક્ષના સંગઠનને નવી ઉર્જા મળશે. વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આ એક દિવસીય પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.
