G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. આગામી 15 થી 17 જૂન દરમિયાન ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની સત્તાવાર મુલાકાતે જવાના છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને વડાપ્રધાન મોદીની આ ઉચ્ચ સ્તરીય સંમેલનમાં સહભાગિતાની પુષ્ટિ કરી છે.
તાજેતરમાં ફ્રાન્સના ‘Abbaye des Vaux-de-Cernay’ ખાતે યોજાયેલી G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ફ્રાન્સના યુરોપ તથા વિદેશી બાબતોના મંત્રી જીન-નોએલ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ફ્રાન્સની સત્તાવાર રિલીઝ અનુસાર, “બંને મંત્રીઓએ એ વાતને આવકારી છે કે વડાપ્રધાન મોદીએ ઇવિયન શિખર સંમેલન(Evian Summit) માં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી દીધી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને G7 ના કાર્યો અને વૈશ્વિક નિર્ણયોમાં ભારતના અમૂલ્ય યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.”
આ પ્રવાસની સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે, આ સમિટ દરમિયાન પીએમ મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત યોજાય તેવી પ્રબળ સંભાવના છે. છેલ્લા 16 મહિના કરતાં પણ વધુ સમયમાં આ પ્રથમ વખત હશે જ્યારે બંને નેતાઓ આમને-સામને બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ, હોર્મુઝ સંકટ અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવો વચ્ચે આ સંભવિત બેઠક પર આખી દુનિયાની નજર મંડાયેલી રહેશે.
