ધોકડવામાં પ્લોટ કૌભાંડ : તત્કાલીન તલાટી સહિત બે સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં નવા ગામતળમાં ફાળવાયેલા પ્લોટને લઈને ગંભીર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ગામના તત્કાલીન તલાટી-કમ-મંત્રી અને મગનભાઈ મૂળુભાઈ ઢોલા સામે ગીરગઢડા…

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં નવા ગામતળમાં ફાળવાયેલા પ્લોટને લઈને ગંભીર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ગામના તત્કાલીન તલાટી-કમ-મંત્રી અને મગનભાઈ મૂળુભાઈ ઢોલા સામે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવી સરકારી રેકોર્ડમાં ચેડાં કરવા સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાતા પંથકમાં ચર્ચા જાગી છે.

ફરિયાદ મુજબ, ફરિયાદી રેખાબેન વિરાજીભાઈવાઘેલા ના નામે વર્ષ 1996માં ધોકડવા ગામના સર્વે નં. 117માં આવેલા નવા ગામતળમાં પ્લોટ નં. 143 (29 ચોરસ મીટર) ફાળવવામાં આવ્યો હતો. આ ફાળવણીની નોંધ ગામ નમૂના નં. 2માં નોંધ નં. 864 તથા તાલુકા નોંધ નં. 860થી કરવામાં આવી હતી. રેખાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પતિના અવસાન બાદ પરિવાર સાથે તેઓ થોડા વર્ષો માટે સિદ્ધપુર રહેવા ગયા હતા.વર્ષ 201012 દરમિયાન ધોકડવા પરત આવ્યા બાદ આર્થિક પરિસ્થિતિને કારણે પ્લોટ પર બાંધકામ કરી શક્યા નહોતા. જોકે વર્ષ 2024માં તેઓ પ્લોટ પર પહોંચ્યા ત્યારે ત્યાં ગીતાબેન રાજુભાઈ વાઢેર દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ દરમિયાન ગીતાબેને આ પ્લોટ મગનભાઈ મૂળુભાઈ ઢોલા પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તલાટી પાસે માહિતી માંગતા પ્લોટ મગન ભાઈ ના નામે હોવાનું જણાવાયું હતું.

જોકે ગામના પૂર્વ સરપંચના પ્રતિનિધિ એભલભાઈ બાંભણીયાએ વર્ષ 2012ના સરકારી રેકોર્ડ અને ગામ નમૂના નં. 2ની નકલો મેળવતાં મૂળ નોંધ રેખાબેનના નામે હોવાનું સામે આવ્યું હતું. બાદના રેકોર્ડમાં રેખાબેનના નામ પર ચેકો મારી મગનભાઈનું નામ અને ગીતાબેનનું નામ દાખલ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તત્કાલીન તલાટી-કમ-મંત્રી અને મગનભાઈ મૂળુભાઈ ઢોલાએ મળીને સરકારી રેકોર્ડમાં ગેરકાયદેસર ચેડાં કરીફરિયાદીની જાણ બહાર પ્લોટ પોતાના નામે ચઢાવ્યો હતો અને બાદમાં ખોટા દસ્તાવેજોના આધારે તે પ્લોટનું વેચાણ કર્યું હતું.

ગીર ગઢડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીસમગ્ર મામલે વધુ તપાસ શરૂૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી એ પોતાનો મૂળ પ્લોટ પરત અપાવવાની પણ માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *