ભારતમાં આગામી 22 વર્ષ પછી વડીલોની વસતી વધુ હશે ત્યારે વૃદ્ધાશ્રમો અનિવાર્ય: લોર્ડ ડોલરભાઈ પોપટ
પૂ.મોરારિબાપુએ માનસ સદભાવના કથાને ત્રિભૂવનીય રામ કથા ગણાવી, કવિ રમેશ પારેખને યાદ કર્યા, યુ.કે.ના સાંસદ લોર્ડ ડોલરભાઈ પોપટ કથાશ્રવણ માટે પધાર્યા
“સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખને જન્મ જયંતીએ પૂ. મોરારિ બાપુએ યાદ કર્યા”
સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો અને વૃક્ષોના લાભાર્થે યોજાયેલી માનસ સદભાવના રામકથામાં આજે પૂ. મોરારિબાપુએ દરેક પરિવારને જે પાંચ વૃક્ષો વાવીને પંચગ્રહ અને પંચવટીની સ્થાપના કરવા અપીલ કરી હતી. એમાં આજે પાંચ દેવોના પાંચ વૃક્ષો ક્યા છે તે પ્રારંભે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડલો રોપો ત્યારે માતૃભાવ રાખજો કારણ કે કથા વડલા નીચે ગવાઈ છે માટે વડલો દુર્ગાનું વૃક્ષ છે. પીપળો વિષ્ણુનું વૃક્ષ છે કેમ કે શ્રીમદ ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું.
પૂ. મોરારિબાપુએ લીમડાને સૂર્યનું વૃક્ષ કહ્યું, બિલી શિવનું વૃક્ષ છે તો ચંદન ગણેશનું વૃક્ષ હોવાનું જણાવ્યું. સાથે સાથે ગુરુત્વાકર્ષણના નિયમને અવગણીને ઊર્ધ્વ ગમન કરતાં તત્વોમાં જળ, પળ, અગ્નિ, કમળ વગેરે હોવાનું જણાવ્યું હતું.
પૂ. મોરારિબાપુએ માનસ સદભાવના રામકથાને વૈશ્વિક નહીં પરંતુ ત્રિભુવનીય રામકથા ગણાવી આજે પણ તેનો ઉલેખ્ખ કર્યો હતો. દાતાઓએ આજે પણ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી હતી. દેશના અને વિદેશના દાતાઓએ એક રૂૂપિયાથી માંડીને કરોડો રૂૂપિયા સુધીની દાનની સરવાણી વહાવી હતી. આણંદબાવા સંસ્થા, જામનગરના પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુ આજે માનસ સદભાવના રામકથામાં પધાર્યા હતા.
મોરારીબાપુ એ ભાખેલું કે આ રામકથા એ ત્રિભુવનિય બની રહેશે એ રામકથા અને જયસિયારામ નો સાદ અને નાદ સાંભળી ખાસ લંડન થી લોર્ડ ડોલર ભાઈ પોપટ પધાર્યા છે.લોર્ડ ડોલર ભાઈ પોપટ બ્રિટેન ના 15 વરસ થીસિનિયર સાંસદ છે, બ્રિટેન ની ક્ધસર્વેટીવ પાર્ટી ના પ્રથમ લોર્ડ છે, ત્યાં ના હાઉસ ઓફ લોર્ડસ માં નિમણૂંક પામેલા ડોલર ભાઈ ભારત સાથે બ્રિટેન ના સંબંધો વધુ મજબુત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. યુ. કે ના સાંસદ લોર્ડ ડોલરભાઈ પોપટે કથામાં પધારી પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે આગામી 22 વર્ષમાં ભારતમાં બાળકો કરતાં વડીલોની વસતી વધી જવાની છે ત્યારે સંપૂર્ણ સુવિધાયુક્ત વૃદ્ધાશ્રમનો અનિવાર્યતા સાબિત થશે.
વૃદ્ધાશ્રમ આપણાં દેશમાં હવે હકારાત્મક બાબત બની રહેશે કારણ કે તબીબી શોધોને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે પણ સાથે સાથે અનેક પ્રકારની બીમારી પણ વધી છે ત્યારે અમુક પ્રકારની બીમારી જ્યારે વૃદ્ધને લાગુ પડે ત્યારે ન તો એની ઘરમાં કાયમી સારવાર થઈ શકે ન તો દવાખાનામાં ! આ બંનેની વચ્ચેનો વિકલ્પ છે વૃદ્ધાશ્રમ. તજ્યાં પોતાના જેવા અનેક લોકો સાથે મળીને આનંદમય જીવન જીવી શકે અને તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ શકે.
લોર્ડ ડોલરભાઈ પોપટે ઉમેર્યું કે પૂ. મોરારિબાપુની આ રામકથા માનવતા માટે નવું પ્રકરણ શરૂૂ કરનારી છે કેમ કે સદભાવના વૃદ્ધાશ્રમની વડીલો અને વૃક્ષો માટેની આ કથા છે. તેમણે વૃદ્ધાશ્રમને નવી દ્રષ્ટિથી જોવા અને હકારાત્મક પગલું ગણવા લોકોને અપીલ કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં વડીલોને સન્માન આપવું એ કર્તવ્ય મનાયું છે ત્યારે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને પૂરતું સન્માન મળે છે.
ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખની જન્મ જયંતી હોય પૂ. મોરારિબાપુએ રમેશ પારેખને યાદ કરી કેટલાય કવિઓએ રમેશ પારેખ પર લખેલી કવિતાનો પૂ. બાપુએ ઉલ્લેખ કર્યો.”માનસ સદભાવના” રામકથામાં પ. પૂ ડો. પરમાત્માનંદ સરસ્વતીજી, દેવપ્રસાદજી બાપુ, ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડ, યુ. કે ના સાંસદ લોર્ડ ડોલરભાઈ પોપટ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહી થા શ્રવણનો લાભ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિ:સંતાન, નિરાધાર, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” શરુ થઇ ચુકી છે. આ કથા 1 ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્ર્વાન આશ્રમમાં 150 શ્ર્વાનોને આશ્રય
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં પ્રથમ તબક્કે 1000 શ્વાનોને આશરો અપાશે. હાલમાં જોઈ ન શકતા હોય એવા 10, ઉંમરવાળા 10, અનાથ 21, પેરેલિસીસવાળા 64, અન્ય 30 એમ 150 શ્વાનો આશ્રય લઇ રહ્યાક છે. આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ, ખંઢેરિ સ્ટેડિયમની સામે, ગારડી કોલેજની બાજુમાં,રાજકોટ (મો. 74859 22224)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
માનસ સદભાવના કથામાં કાલે રમેશભાઈ ઓઝા હાજરી આપશે
રાજકોટમાં વૈશ્વિક રામકથા માનસ સદભાવના શરૂ થઈ ચૂકી છે જે 1 ડિસેમ્બર સુધી ચાલશે. પૂ. મોરારિ બાપુ રામાયણરૂપી જ્ઞાનગંગાનું રસપાન કરાવી રહ્યા છે. રાજકોટના આંગણે યોજાઈ રહેલ રામકથામાં દેશવિદેશથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો ઉમટી પડ્યા છે ત્યારે 28 નવેમ્બરે વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં વૈશ્વિક ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા હાજરી આપવાના છે. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વિશ્વનાં જાણીતા ભાગવત કથાકાર છે.
પૂ. મોરારિબાપુના ચૂંટેલા વચનો
- રાવણ પણ એક વાર રામ બોલ્યો હતો.
- તમારા બાળકોને ફોનની બહુ ટેવ ન પાડતા.
- મારે શરણે આવ એવું કૃષ્ણએ કહ્યું, તેનો અર્થ હું એમ કરું છું કે વૃદ્ધ ને શરણ આપ.
- આપણે જઈએ પછી પાછળવાળા રામ રામ બોલે તેના કરતા આપણે જ રામ – રામ બોલવાની ટેવ પાડીએ.
- શિવ તો પરમ કરુણામુર્તિ છે.
- દીકરો જન્મે ત્યારે ઉત્સવ ઉજવો જ પણ દીકરી જન્મે ત્યારે સવાયો ઉત્સવ ઉજ્વશો.
- બધા ભોજન કરતા હોય એ મને ખુબ જ ગમે, કોઈની થાળી માં ભોજન નથી પીરસાતું, બ્રહ્મ પીરસાઈ છે માટે બ્રહ્મ ભોજન કેહવાય છે.
- પુજ્ય બાપુએ રામકથાની વ્યવસ્થાઓમાં ખુબ જ પ્રસન્નતા વ્યકત કરી, તમામ વ્યવસ્થા જોવાની – બિરદાવવાની ઈચ્છા વ્યકત કરી.
- ગાયનો આત્મા પરમ ઉપકારી છે.
- બધા ભોજન કરતા હોય એ મને ખુબ જ ગમે, કોઈની થાળીમાં ભોજન નથી પીરસાતું, બ્રહ્મ પીરસાઈ છે માટે બ્રહ્મ ભોજન કેહવાય છે.
- રઘુવંશીઓ જ્યારે વૃદ્ધ થાય ત્યારે સંન્યાસીઓની જેમ જીવતા અને મૃત્યુ પામે ત્યારે યોગીની જેમ મૃત્યુ પામતા એવું વર્ણન શ્રી કાલિદાસજીએ કર્યું છે.
- એકલતા અને એકાંતમાં બહુ તફાવત છે. – ગુણવંતભાઈ શાહ
- કૃષ્ણનો રંગ ડાર્ક હતો એવું કોઈ એ કહ્યું , એમ ન કેહવાય કૃષ્ણએ તો અંધારું ઉલેચ્યું અને અજવાળું કર્યું. – કવિ શ્રી સુરેશ દલાલ
- યુવાનો ને ઊભા કરે એ વૃદ્ધત્વ.
- પીપળાનું વૃક્ષ એ સનાતન છે.
- વૃદ્ધ એટલે પાકેલા, વૃદ્ધિ પામેલા , પરિપકવ.
- જટાયુ વૃદ્ધ હતા, પક્ષી હતા તો પણ તેમણે માતા સીતાને બચાવવા પોતાના પ્રાણ ત્યજી દીધા, અરણ્ય કાંડમાં આવા વૃદ્ધ જોવા મળે છે.
- વિધાતાએ સૌથી વયોવૃદ્ધ છે.
- સાધુ કોઈ દિવસ ઉગ્ર ના હોય, પણ સમાજની પીડા થી વ્યગ્ર હોઈ શકે.
- વૃક્ષોની છાયામાં ફળ, વિરામ અને શાંતિ મળે છે.
- વૃદ્ધ આપણને કોઈ ને કોઈ રીતે પ્રેરણા આપે છે.
- ચિત્રકુટમાં વાવેલ વડનું નામ માતાના નામ પરથી પસાવિત્રી વડથ રાખેલું છે.
- મોટામાં મોટા વૃદ્ધ જામવંત છે. પોતે ના કરી શકે પણ યુવાનોને સંસ્કૃતિ રક્ષામાં આગળ કરે એવા કેટલાય જામવંત આપણી પાસે છે.
- સદભાવના વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિઓ અંગે વારંવાર પ્રસંશા વ્યકત કરું છું.
- શૂન્ય એટલે ખાલીપો નથી, શૂન્ય એ તો બ્રહ્માંડથી ભરપુર છે. જે સાવ ખાલી છે તેને કોઈ ભરી ના શકે , જે કહે હું હારેલો છું તેને કોઈ જીતી ના શકે, જે છેલ્લે બેઠો હોય તેને કોઈ ઊભો ના કરી શકે.
- જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી સહન કરવું.
- જન્મ દિવસ અગાઉ જેટલા વરસ થયા હોય તેટલા કલાકનું મૌનવ્રત રાખવું, જન્મદિવસે બોલવું.
