ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે કેદારનાથની યાત્રાએ ગયેલા સુરતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતથી ગયેલા 14 લોકોના ગ્રુપમાંથી 3 યાત્રિકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના 11 યાત્રિકો હજુ પણ ફસાયેલા છે.છેલ્લા કેટલાક દિવસોથી ફસાયેલા યાત્રિકો સુરક્ષિત બહાર નીકળવા માટે મદદની રાહ જોઈ રહ્યા છે. યાત્રિકોનો આક્ષેપ છે કે સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી. યાત્રીઓએ સરકાર તાત્કાલિક દખલ કરે તેવી માંગ કરી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતાં રંજનબેન પંચાલે વીડિયો બનાવી ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે કેદારનાથમાં ફસાયેલા તમામ યાત્રિકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢી તેમના સ્થળે પહોંચાડવામાં આવે.
વીડિયોમાં તેઓ અત્યંત ભાવુક બની, રડતાં-રડતાં જણાવી રહ્યા છે કે, ‘હું રંજન પંચાલ… અમે પરમ દિવસના કેદારનાથ આવ્યા છીએ. સતત વરસાદના કારણે અમે અહીંયા ફસાયા છીએ. ગુજરાત સરકારને અપીલ કરું છું કે અમને અહીંયાથી સારી રીતે અમારા સ્થળે પહોંચાડવા માટે હેલ્પ કરે. અમારા ગ્રૂપમાં પણ બહુ બધા માણસો છે. પ્લીઝ અમને હેલ્પ કરો…’ આટલું બોલતાં જ તેમની આંખોમાંથી અશ્રુ વહી નીકળ્યા હતા.
