ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલ ના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર જગાવી છે. આજની કાર્યવાહી દરમ્યાન કુલ 391 બાકીદારોના વીજ જોડાણ નિયમ મુજબ કાપવામાં આવ્યા તેની કુલ બાકી રકમ રૂૂા.48 લાખ હતી. સાથે સાથે અભિયાન દરમ્યાન 1370 બાકીદારોએ તાત્કાલિક ઓનલાઈન ચુકવણી કરી કુલ રૂૂા.157.58 લાખ ની રકમ જમા કરાવી હતી. આ ટીમ ઘરો અને વેપારી સંસ્થાઓની બહાર પહોંચી હતી, જેના કારણે અનેક સ્થળોએ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કાર્યવાહી નો મુખ્ય હેતુ બાકી વીજળી બિલ ની વસૂલાત કરવાનો છે.
PGVCL વેરાવળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલા એ માહિતી આપતા જણાવ્યું કે, વારંવાર નોટિસ, રિમાઇન્ડર અને મુદત આપ્યા છતાં બિલ નહીં ભરનાર સામે કડક પગલાં લેવા એકમાત્ર વિકલ્પ છે. વેરાવળ ડિવિઝન હેઠળના સાત વિસ્તારમાં ચેકિંગ અને કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં હાઈ પ્રાયોરિટી યાદીમાં સામેલ અંદાજે 1900 થી વધુ વીજ જોડાણો કાપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. પ્રથમ તબક્કામાં જ રૂૂા.2.60 કરોડ જેટલી બાકી રકમ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી શરૂૂ થઈ છે. આ કાર્યવાહી આકોલવાડી, પ્રાચી, તાલાલા, સુત્રાપાડા, પ્રભાસ પાટણ, વેરાવળ અને વેરાવળ GIDC જેવા સાતેય સબ-ડિવિઝનમાં એકસાથે 78 ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે. દરેક વિસ્તારમાં અલગ અલગ સ્ક્વોડ બનાવી મીટર ચકાસણી, બાકી રકમની પુષ્ટિ અને સ્થળ પર જ વીજ જોડાણ કાપવા ની પ્રક્રિયા ચાલી રહી છે. માત્ર વેરાવળ ડિવિઝનનું જ કુલ બાકી લેણું અંદાજે રૂૂા.19 કરોડ જેટલું છે. આટલી મોટી બાકી રકમ ને કારણે વીજ કંપની પર નાણાકીય દબાણ વધી રહ્યું છે. PGVCL એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે માત્ર ચેતવણી નહીં, પરંતુ સીધી કાર્યવાહી થશે.
બાકીદારોને અંતિમ તક તરીકે તરત જ બાકી બિલ ભરવાની અપીલ કરવામાં આવી છે, અન્યથા કાયદેસર દંડાત્મક કાર્યવાહી અને વધારાના ચાર્જિસ લાગુ પડી શકે છે. આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓ અને ઘર માલિકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. કેટલાક સ્થળોએ સ્થળ પર જ બાકી રકમ ભરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ તો માત્ર શરૂૂઆત છે અને જિલ્લાના અન્ય ડિવિઝનોમાં પણ આવા જ મેગા ઓપરેશન હાથ ધરી શકે છે. ગીર સોમનાથમાં PGVCL ની આ આક્રમક ઝુંબેશથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે વીજ વપરાશ કરશો તો બિલ પણ સમયસર ભરવું પડશે, નહીં તો કનેક્શન કાપવામાં આવશે.
