પાક.માં પેટ્રોલ રૂા.458 અને ડીઝલ 520ને આંબતા હાહાકાર

ખેડૂતો અને ટુ-વ્હિલર ચાલકો માટે નવી સબસિડી જાહેર કરતી સરકાર રાતોરાત ભાવમાં 42થી 55 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી…

ખેડૂતો અને ટુ-વ્હિલર ચાલકો માટે નવી સબસિડી જાહેર કરતી સરકાર

રાતોરાત ભાવમાં 42થી 55 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતો બેકાબૂ બની છે, જેની સીધી અને ગંભીર અસર પાકિસ્તાન પર પણ પડી છે. પાકિસ્તાન સરકારે એક મહિનામાં બીજી વખત ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. નવા ભાવ મુજબ ડીઝલમાં 54.9%નો તોતિંગ વધારો કરાતા હવે તે પ્રતિ લિટર 520.35 પાકિસ્તાની રૂૂપિયા અને પેટ્રોલમાં 42.7%ના વધારા સાથે પ્રતિ લિટર 458.40 પાકિસ્તાની રૂૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે સ્પષ્ટ કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી આ ભાવવધારો કરવો અનિવાર્ય હતો.

પાકિસ્તાન પોતાની જરૂૂરિયાતનું મોટાભાગનું ઓઇલ સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી મેળવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી આવે છે. યુદ્ધને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાતા પાકિસ્તાન જેવી નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ પર ભારે દબાણ આવ્યું છે. સરકારે અગાઉના ત્રણ અઠવાડિયામાં 129 અબજ રૂૂપિયાની સબસિડી આપી હતી, પરંતુ હવે મર્યાદિત સંસાધનોને કારણે આ બોજ ઉઠાવવો શક્ય રહ્યો નથી. આ સંકટની સૌથી વધુ અસર ગરીબ જનતા અને ખેતી ક્ષેત્ર પર પડવાની શક્યતા છે,
જે પાકિસ્તાનના જીડીપીમાં 24% જેટલો હિસ્સો ધરાવે છે.

જનતાને થોડી રાહત આપવા માટે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કેટલીક જાહેરાતો કરી છે. જેમાં ટુ-વ્હીલર ચલાવતા લોકોને દર મહિને મહત્તમ 20 લિટર સુધી પેટ્રોલ પર પ્રતિ લિટર 100 રૂૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, નાના ખેડૂતોને એક વખત માટે પ્રતિ એકર 1500 રૂૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરાઈ છે. જોકે, વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ હજુ પણ વધી રહ્યા છે, ખાસ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટમાં સૈન્ય કાર્યવાહી તેજ કરવાના સંકેતો બાદ બ્રન્ટ ક્રૂડના ભાવમાં 7 %થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે આવનારા સમયમાં પાકિસ્તાન માટે વધુ મુશ્કેલીઓ સર્જી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *