ઉપલેટા શહેરમાં હાલ ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના નબળા અને ગોકળગાય ગતિએ ચાલતા કામથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. ઠેર-ઠેર આડેધડ ખોદકામ, સમયસર રસ્તાઓનું સમારકામ ન થવું, તેમજ પીવાના પાણીની લાઈનોમાં ગટરના પાણી ભળી જવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વારંવારની રજૂઆતો છતાં એજન્સી દ્વારા કામના કોઈ દસ્તાવેજી પુરાવા, વર્ક ઓર્ડર કે ટેન્ડરની શરતો જાહેર કરવામાં આવતી નથી.
કોન્ટ્રાક્ટરની આ તાનાશાહી અને અંધાધૂંધી સામે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ બનેલી વિશેષ સમિતિ મેદાને આવી છે. રમેશભાઈ પાનેરા પ્રવીણભાઈ કાલાવડીયા હરિભાઈ સુવા કૃષ્ણકાંત ચોટાઈ ગોવિંદભાઈ બારૈયા વિનુભાઈ ધેરવડા હરપાલસિંહ જાડેજા બનેલી આ કમિટીએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. એટલું જ નહીં તારીખ 22 મી એ ઉપલેટા આવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ધારાસભ્ય ને પણ મળી અને આ નબળા કામ અંગે જાણ કરશે કમિટી દ્વારા અંતિમ ચેતવણી આપવામાં આવી છે કે જો એજન્સી તાત્કાલિક દસ્તાવેજો રજૂ નહીં કરે અને ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરી કામ નહીં સુધારે, તો આગામી દિવસોમાં શહેરના મુખ્ય ચોકમાં છાવણી નાખીને હડતાલ અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
લોકોના આ જનઆક્રોશને નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યોનો પણ મજબૂત સાથ મળ્યો છે. પાલિકા પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી છે કે શહેરના હિતમાં કોઈપણ પ્રકારનું હલકું કે નબળું કામ જરા પણ ચલાવી લેવાશે નહીં અને નાગરિકોના આંદોલનને સંપૂર્ણ સહકાર અપાશે. હવે જોવાનું એ રહે છે કે, જનતાના આ ઉગ્ર મિજાજ અને આંદોલનની આખરી ચીમકી સામે બેફામ બનેલી એજન્સી નિયમ મુજબ કામ કરવા મજબૂર બને છે કે પછી ઉપલેટાનો મુખ્ય ચોક એક મોટા આંદોલનનો સાક્ષી બનશે.
