જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાં દીપડાની દહેશત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો છે. શહેર નજીક અચાનક આવી ચડેલા એક હિંસક દીપડાએ સ્થાનિક યુવક પર અચાનક હુમલો કરી દેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, માળીયા હાટીના નજીક યુવક પર દીપડાએ હુમલો કરતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકની પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને ધ્યાને રાખી વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.
બીજી તરફ, હુમલાની આ ઘટના બાદ માળીયા હાટીના નજીક આવેલી નદીમાંથી દીપડો આરામથી પસાર થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. માનવવસ્તી અને શહેરની સાવ નજીકના રણાંગણ વિસ્તારમાં દીપડાની ખુલ્લેઆમ અવરજવર જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. માનવવસ્તી માટે ખતરો બનેલા આ હિંસક દીપડાને વહેલી તકે પૂરી દેવા માટે વન વિભાગ દ્વારા અલગ-અલગ વ્યૂહાત્મક સ્થળો પર પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. વન વિભાગે સ્થાનિક લોકોને ભયભીત ન થવા અને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેત રહેવા અપીલ કરી છે.
