ત્રણ માસથી આખો જિલ્લો ધણીધોરી વગરનો છતાં નેતાઓ ચૂપ, હજારો અરજદારો હેરાન-પરેશાન
કલેકટર-એડિશનલ કલેકટર- મામલતદાર સહિતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા બાદ જગ્યાઓ ખાલી, પ્રજાની લાચારી, સરકાર બેદરકાર
સુરેન્દ્રનગર જિલ્લાના મહેસુલતંત્રમાં રેઢા પડ જેવી હાલત સર્જાઇ છે. ભ્રષ્ટાચારના કારણે કલેકટર-એડિશનલ કલેકટર- મામલતદાર સહીતના ઉચ્ચ અધિકારીઓ ઝપટમાં આવી જતા હવે સામાન્ય અરજદારોને સજા ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા બે-ત્રણ માસથી સમગ્ર જિલ્લામાં મહેસલી કામગીરી લકવાગ્રસ્ત થઇ ગઇ છે. પરંતુ સરકારના પેટનું પાણી હલતુ ન હોય તેમ હજુ સુધી ખાલી જગ્યાઓ ઉપર નિમણુંકો નહીં થતા રોજબરોજના તમામ વ્યવહારો ઠપ થઇ ગયા છે. દુર દુરથી આવતા અરજદારો ધક્કા ખાય છે પરંતુ સામાન્ય કામો પણ થતા નથી.
સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે જિલ્લાના ધારાસભ્યો, સાંસદ પણ અરજદારોની હાલતથી વાકેફ હોવા છતા ગુનાહીત મૌન ધારણ કરીને બેઠા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની સજા સામાન્ય પ્રજા ભોગવી રહી હોય તેવી સ્થિતિ છે. આટલા મોટા જિલ્લામાં એકમાત્ર ડીડીઓ જ ઉચ્ચ અધિકારી રહ્યા છે. તેની ઉપર પણ કામનો બોજ મોટો હોવા છતાં કલેકટરનો ચાર્જ તેમને સોંપી દેવાયો છે. હાલ તો અધિકારીઓના વાંકે સરકાર પ્રજાને સજા આપતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને અધિક કલેકટરની ખાલી જગ્યાએ ઇન્ચાર્જ અધિકારી હોઇ મહત્વના કામો નહી થવાના કારણે અનેક કામો પેન્ડીંગ હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને અધિક કલેકટરની ખાલી જગ્યાએ ઇન્ચાર્જ અધિકારી હોઇ મહત્વના કામો નહી થવાના કારણે અનેક કામો પેન્ડીંગ હોવાથી લોકોને હાલાકી તો પડી રહી છે પરંતુ કાયમી અધિકારીના અભાવે કલેકટર કચેરીએ કોઇ ડોકાતુ જ નહી હોવાથી કચેરી ખાલી ખમ દેખાઇ રહી છે.
સુરેન્દ્રનગરમાં ઇડીના સપાટા બાદ તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર જેલવાસ ભોગવી રહયા છે, મામલતદાર,પી.એ.અને કલાર્ક સસ્પેન્ડ થયા છે અને છેલ્લે અધિક જિલ્લા કલેકટરની બદલી થઇ ગઇ છે.
જેના કારણે જિલ્લાના સમાહર્તા જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા કલેકટર બંને સૌથી મહત્વની બંને જગ્યાઓ ખાલી છે અને હાલ ઇન્ચાર્જ અધિકારીને ચાર્જ અપાયો છે. પરંતુ છેલ્લાં કેટલાક માસથી બંને જગ્યાએ ઇન્ચાર્જ હોવા સાથે ઇડીની રેડ બાદ જેલવાસ, સસ્પેન્ડ અને બદલીઓની ગંભીર ઘટના જોતા અધિકારીઓ મહત્વની ફાઇલો કે નીતિ વિષયક નિર્ણય લેતા નથી.બીજી તરફ જિલ્લાભરના લોકોને બંને ઉચ્ચ અધિકારીની ખાલી જગ્યાની જાણ હોવાથી સતત લોકો અને ખેડૂતોથી ભરેલી રહેતી કલેકટર કચેરી ખાલી ખમ દેખાઇ રહી છે. આમ મનપા, પાલિકાઓ અને તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લોકોની મુશ્કેલીઓ દૂર થાય એ માટે તાત્કાલિક જિલ્લા કલેકટર અને અધિક કલેકટરની ખાલી જગ્યા ભરાય કાયમી અધિકારી મુકાય એવી લોકોની માંગ ઉઠી છે.
