બાયોમેડિકલ વેસ્ટ બાબતે ગુન્હાહિત બેદરકારી, 3562 સામે કાર્યવાહી

ગુજરાતમાં બાયોમેડિકલ વેસ્ટના નિયમોના ઉલ્લંઘનમાં 2024માં અચાનક પાંચ ગણો વધારો નોંધાયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, રાજ્યમાં 3,562 હેલ્થકેર અને…

ગુજરાતમાં બાયોમેડિકલ વેસ્ટના નિયમોના ઉલ્લંઘનમાં 2024માં અચાનક પાંચ ગણો વધારો નોંધાયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, રાજ્યમાં 3,562 હેલ્થકેર અને વેસ્ટ ટ્રીટમેન્ટ સુવિધાઓ પર બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સના ભંગના આરોપ મૂકાયા છે. આ સંખ્યા 2023માં માત્ર 661 અને 2022માં 1,024 હતી. અધિકારીઓએ આટલી જ સંખ્યામાં શો-કોઝ નોટિસ અને નિર્દેશો જારી કર્યા છે.

આ વધારો રાજ્યમાં હેલ્થકેર સુવિધાઓના ઝડપી વિસ્તાર સાથે જોડાયેલો છે. હાલમાં ગુજરાતમાં કુલ 41,357 હેલ્થકેર યુનિટ્સ છે, જેમાંથી 13,659 બેડવાળા હોસ્પિટલો છે. 2022માં આ સંખ્યા 35,804 હતી. હોસ્પિટલ બેડ્સ પણ 2,23,997થી વધીને 2,54,714 થયા છે. આના કારણે બાયોમેડિકલ કચરાનું ઉત્પાદન પણ વધ્યું છે 2024માં દરરોજ 56,512 કિલો, જે 2023માં 51,823 કિલો અને 2022માં 47,843 કિલો હતું. બે વર્ષમાં લગભગ 8,700 કિલો વધારો થયો છે.

ડો. મહાવીર ગોલેછા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના વૈજ્ઞાનિક અને UPSC સલાહકારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, આ તીવ્ર વધારો ચિંતાજનક છે. અયોગ્ય સેગ્રિગેશન કે ડિસ્પોઝલથી ચેપ ફેલાવાનું જોખમ અને પર્યાવરણને નુકસાન થાય છે. હેલ્થકેરના વિસ્તાર સાથે મોનિટરિંગ અને પાલન વ્યવસ્થા મજબૂત કરવી જરૂૂરી છે. અયોગ્ય હેન્ડલિંગથી વેસ્ટ હેન્ડલર્સ, હોસ્પિટલ સ્ટાફ અને સમુદાયને ગંભીર જોખમ છે.

રાજ્યમાં તમામ બાયોમેડિકલ કચરો 22 કોમન ટ્રીટમેન્ટ ફેસિલિટીઓ દ્વારા ટ્રીટ થાય છે (2022માં 20 હતી). કોઈ હોસ્પિટલ પોતાનું ઇન્સિનેરેટર કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતી નથી. CPCBએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખામીઓ દૂર કરવા સૂચના આપી છે. આ વલણ જાહેર આરોગ્ય અને પર્યાવરણ સુરક્ષા માટે ગંભીર ચેતવણી છે. નિયમોનું કડક પાલન અને સતત મોનિટરિંગ વિના આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *