સોનામાં 1.8 લાખના રેકોર્ડ સ્તરેથી 21% ભાવ ઘટતા ભારતીયોની ખરીદીમાં 30%નો ઉછાળો, ચાંદીની માંગમાં પણ 10%નો વધારો નોંધાયો
સોનાના ભાવમાં આવેલા નોંધપાત્ર ઘટાડાને કારણે આ વર્ષના ધનતેરસ અને દિવાળીના તહેવારો દરમિયાન ભારતીય ગ્રાહકોએ સોનાની ખરીદીમાં ભારે ઉત્સાહ દાખવ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાની માંગમાં વોલ્યુમની દૃષ્ટિએ 30% નો વધારો થયો છે જ્યારે ચાંદીની ખરીદીમાં 10% નો વધારો જોવા મળ્યો છે. જ્વેલર્સના મતે આ વલણ આગામી લગ્નસરાની સિઝન પહેલાં બજારમાં માંગની મજબૂત પુન:પ્રાપ્તિ દર્શાવે છે.
ઉદ્યોગ સંસ્થાના અંદાજ મુજબ, ગ્રાહકોએ આ વર્ષના તહેવારો દરમિયાન 72,000 કરોડ રૂૂપિયાનું કુલ 52 ટન સોનું અને 5,400 કરોડ રૂૂપિયાની કિંમતનું 300 ટન ચાંદીની ખરીદી કરી છે. સોનાના ભાવ અગાઉના 1.8 લાખ રૂૂપિયાના સર્વોચ્ચ શિખરેથી ઘટીને આશરે 1.42 લાખ રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી જતાં ખરીદદારો ફરીથી બજાર તરફ આકર્ષાયા છે. નવેમ્બરના મધ્યથી માર્ચ સુધી ચાલનાર લગ્નસરાની સિઝન અગાઉ કરવામાં આવેલી ખરીદીએ પણ આ માંગને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
IBJA ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, બજારમાં પેન્ટ-અપ ડિમાન્ડ (અટકી ગયેલી માંગ) જોવા મળી રહી છે, કારણ કે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને સોનાની ખરીદી ન કરવા અપીલ કરવામાં આવ્યા બાદ ઘણા ગ્રાહકોએ સોનું ખરીદવાનું ટાળ્યું હતું. જોકે, હવે ભાવ ઘટ્યા હોવાથી અને વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટવાને કારણે ભવિષ્યમાં સોનાના ભાવ ફરી વધવાની શક્યતા જોતાં લોકો ખરીદી માટે આગળ આવ્યા છે.
આ ઉપરાંત તહેવારોની કેલેન્ડર સ્થિતિ પણ જ્વેલરીની ખરીદી માટે અનુકૂળ રહી હતી, કારણ કે ધનતેરસ (6 નવેમ્બર) અને દિવાળી (8 નવેમ્બર) મહિનાની શરૂૂઆતમાં જ આવ્યા હતા, જે દરમિયાન નોકરિયાત વર્ગને માસિક પગાર અને તહેવારનું બોનસ મળતું હોય છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડેના જણાવ્યા મુજબ, આનાથી બજારમાં સારી રોકડ પ્રવાહિતા (કેશ ફ્લો) જોવા મળી હતી અને છેલ્લા 4 થી 6 મહિનાથી સોનાના ભાવ પ્રમાણમાં નીચા રહેવાથી ખરીદીનું સેન્ટિમેન્ટ વધુ મજબૂત બન્યું છે.
હીરાનું વેચાણ 250% વધ્યું
બેંગલુરુની જ્વેલરી બ્રાન્ડ સી કૃષ્ણૈયા ચેટ્ટી જ્વેલર્સ અનુસાર, ગયા વર્ષની સરખામણીએ આ વખતે ધનતેરસ પર કુદરતી હીરાનું વેચાણ 250% વધુ રહ્યું. એટલે કે ગયા વર્ષે જો 100 હીરા વેચાયા હતા, તો આ વખતે 350 વેચાયા. જ્યારે દિવાળી દરમિયાન વેચાણમાં 47%નો વધારો થયો. એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે 1.47 ગણા હીરા વેચાયા છે. કંપની અનુસાર, કુદરતી હીરાનું વેચાણ છેલ્લા 8 વર્ષમાં બીજા ક્રમે સૌથી વધુ રહ્યું. બીજી તરફ, લેબમાં તૈયાર થતા હીરાનું બજાર પણ ઝડપથી વધી રહ્યું છે.
