રાજકોટ એસ.ઓ.જી. ની ટીમે બામણબોર રાજસ્થાનથી રાજકોટ આવતા ડ્રગ્સ પેડલર અને તેના રાજસ્થાની સાગરિતને . 1.16 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ઝડપી લીધો હતો. માત્ર 22 દિવસ પહેલાં જ જેલમાંથી મુક્ત થયેલા એક રીઢા ડ્રગ પેડલર અને તેના સાગરીત રાજકોટમાં ડ્રગ્સ સપ્લાય કરે તે પૂર્વે એસઓજીના હાથે ઝડપાઈ ગયા તા. પેડલરે જેલવાસ દરમિયાન ડ્રગ્સનું નેટવર્ક ગોઠવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેલવાસ દરમિયાન પેડલરને જે મોબાઈલ નંબરો મળ્યા હતા તે કોના છે ? અને રાજસ્થાનના કયા સપ્લાયર પાસેથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું ? તે દિશામાં એસઓજીની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, એસઓજીના પી.આઈ. એન.બી. ચૌધરીને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે પી.એસ.આઈ. વી.વી. ધાંગુ તથા તેમની ટીમે બામણબોર હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જણાતા બે શખ્સોઇબ્રાહીમ ઉર્ફે ટીકડો ઉર્ફે શાહબાઝ રઝાકભાઈ શેખ (ઉં.વ. 23) અને તેના સાથી ઇરફાન ઉર્ફે બમ ઇબ્રાહીમભાઈ કુરેશી (ઉં.વ. 36)ને રોકીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી 38.67 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 1.16 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મુખ્ય આરોપી ઇબ્રાહીમ માર્ચ મહિનામાં 8.5 કિલો ગાંજાના કેસમાં એસ.ઓ.જી.ના હાથે પકડાઈને જેલભેગો થયો હતો. જ્યારે તે જેલમાં હતો, ત્યારે માત્ર ગાંજાનો વેપાર કરતો હતો. પરંતુ જેલવાસ દરમિયાન જ તેને એમ.ડી. ડ્રગ્સ ક્યાંથી મેળવવું અને તેનો વેપાર કેવી રીતે કરવો તે અંગેની માહિતી તેમજ નેટવર્કની કડીઓ મળી હતી. જામીન પર જેલમાંથી છૂટ્યાના માત્ર 22 દિવસમાં તે ફરી સક્રિય થઈ ગયો હતો. જેલમાં મળેલી માહિતીના આધારે ત્રણ દિવસ અગાઉ તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક ગામમાં ગયો હતો. ત્યાંથી એમ.ડી. ડ્રગ્સની બે પુડીકીઓ મેળવીને પોતાના સાથીદાર ઇરફાન સાથે રાજકોટ પરત ફરી રહ્યો હતો. જોકે, તેની આ પહેલી જ ખેપમાં તે એસ.ઓ.જી.ની ટીમે તેને ઝડપી લીધો હતો. મુખ્ય આરોપી ઇબ્રાહીમ અને ઇરફાન બંને મૂળ જુનાગઢના વતની હોવાથી એકબીજાના જૂના પરિચિત હતા. તેઓ 15 થી 25 વર્ષની વયના યુવાનો અને ગ્રાહકોને નિશાન બનાવીને છૂટક વેચાણ કરવાની ફિરાકમાં હતા.
એસઓજીના પી.આઈ એન.બી.ચૌધરી સાથે પીએસઆઈ વી.વી.ધ્રાંગુ , એ.એસ.આઈ. અરૂણભાઈ બાંભણીયા, ઇન્દ્રસિંહ જાડેજા , ફિરોજભાઈ રાઠોડ , દિગ્વિજયસિંહ ગોહિલ , હાર્દિકસિંહ પરમાર , યોગેન્દ્રસિંહ ઝાલા , મોનાબેન બુસા , મહાવીરસિંહ જાડેજા તથા , નિર્મળસિંહ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયાએ અભિપ્રાય આપ્યો હતો.
