રાજકોટ શહેરમાં દારૂની હેરાફરી કરતા બુટલેગરો ઉપર તુટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના આદેશથી પીસીબી અને ડીસીબીએ અલગ અલગ ચાર દરોડા પાડયા હતા જેમાં 278 બોટલ વિદેશી દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.પીસીબીએ અલગ અલગ ત્રણ દરોડામાં શિવનગર સહકાર નગર અને કોઠારીયા રોડ ઉપર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાચે વાવડીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
શહેરમાં દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબી અને ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. પીસીબીના ઇન્ચાર્જ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુંણ અને તેમની ટીમે પાડેલા દારોડામાં શીવનગર માફતીયાપરમાં નદીના કાંઠે ઓરડીમાંથી 144 બોટલ દારૂ સાથે ખોડીયાર નગરના વિજય આપાભાઇ ખુમાણની ધરપકડ કરી રૂા.43200નો દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. બીજો દરોડો સહકાર નગર મેઇન રોડ કૃષણજી સોસાયટી નં4માં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી રૂા.4 હજારની કિંમતની 40 બોટલ દારૂ સાથે કલ્પેશ ઉર્ફે કલો જેશભાઇ ડાભીની ધરપકડ કરવામાં આવી હતી. ત્રીજા દરોડામાં કોઠારીયા રોડ પર બીલીપત્ર પાર્ટી પ્લોટ પાસેથી મોટર સાઇકલ નં.જીજે3 એન જે 9000માં દારૂની 34 બોટલ સાથે ભાવેશ ઉર્ફે ભુરો છગનભાઇ વાવડીયાની ધરપકડ કરવામાં આવી હતી.
ચોથો દરોડો ક્રાઇમ બ્રાંચની ટીમે પાડ્યો હતો. જેમાં મારૂતી કાર નં.જીજે3 જેસી 5461માં 60 બોટલ દારૂ સાથે જુનાગઢના રવિ અમુભાઇ ઘુઘલ ધરપકડ કરી રૂા.32 હજારના દારૂ સહિત 3.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પીસીબીના પીએસઆઇ એમ.જે.હુણ સાથે મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, કિરતસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, કરણભાઇ મારુ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
