હંગામી બસ ડેપોમાં સુવિધાના અભાવથી મુસાફરોને હાલાકી

બેસવાની, પાણીની સમસ્યા, બસો મોડી આવતી હોવાથી નિયમિત સમયે પહોંચી નહીં શકતા ભારે રોષ ફેલાયો જામનગર શહેરમાં નવા એસટી બસ ડેપોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું…

બેસવાની, પાણીની સમસ્યા, બસો મોડી આવતી હોવાથી નિયમિત સમયે પહોંચી નહીં શકતા ભારે રોષ ફેલાયો

જામનગર શહેરમાં નવા એસટી બસ ડેપોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના ભાગરૂૂપે હાલમાં પ્રદર્શન મેદાન ખાતે હંગામી બસ ડેપોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, આ હંગામી વ્યવસ્થામાં સુવિધાઓના અભાવે મુસાફરો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં બેસવાની પૂરતી જગ્યા ન હોવાથી મુસાફરોને તડકામાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે, તો બીજી તરફ પાણીની ટાંકીમાં પણ તિરાડ પડી જતાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.

હંગામી બસ ડેપોમાં મુસાફરો માટે બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. પરિણામે, દૂર-દૂરથી આવતા મુસાફરો, ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને કાળઝાળ ગરમીમાં લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. જે હંગામી પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યા છે, ત્યાં પણ પૂરતી બેઠકો ઉપલબ્ધ નથી, અને પંખા જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

આથી ગરમીમાં મુસાફરોની તકલીફમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા મુસાફરો પ્લેટફોર્મની આસપાસ કે ખુલ્લી જમીન પર બેસવા માટે મજબૂર બન્યા છે, જ્યારે અમુકને તડકામાં ઊભા રહેવું પડે છે. આ અસંતોષ અને કચવાટ અનેક મુસાફરોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત, કેટલીક બસો નિર્ધારિત સમય કરતાં મોડી આવતી હોવાથી મુસાફરોને લાંબો સમય સુધી તેમની રાહ જોવી પડે છે. વળી, ઘણા મુસાફરો હજુ પણ નવા હંગામી બસ ડેપોના સ્થળથી અજાણ હોવાથી ભૂલથી જૂના બસ ડેપો પર પહોંચી જાય છે. ત્યારબાદ તેમને પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ચાલવું પડે છે અથવા તો રિક્ષા ભાડે કરીને જવું પડે છે, જેમાં તેમને વધારાનો ખર્ચો ભોગવવો પડે છે. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને રિક્ષાચાલકો પણ મુસાફરો પાસેથી બેફામ ભાડા વસૂલ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

હંગામી બસ સ્ટેશનના સ્થળ પર પ્રદર્શન મેદાનમાં મુસાફરોના પીવાના પાણી માટે એક ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ આ ટાંકીને કાર્યરત થયાને હજુ દસ દિવસ પણ પૂરા થયા નથી, ત્યાં જ તેમાં તિરાડ પડી ગયેલી જોવા મળી રહી છે. જેના કારણે ટાંકીમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે અને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. નવા સ્થળે ટાંકો બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. એટલું જ નહીં, પીવાના પાણી માટે ગ્લાસ કે અન્ય કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી જમીન પર ઢોળાઈ જાય છે અને તેના રેલા છેક મુખ્ય રોડ સુધી પહોંચી જાય છે. પરિણામે, બસ ડેપોમાં પ્રવેશતાની સાથે જ મુસાફરોને ગારા-કીચડનો સામનો કરવો પડે છે, જે તેમના માટે વધુ એક મુશ્કેલી ઊભી કરે છે.

જામનગરના નવા હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે. આથી શહેરના મુસાફરો એસટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેમને મુસાફરી દરમિયાન પડતી હાલાકીથી રાહત મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *