રાજકોટમાં દસ્તાવેજ નોંધણી માટેની વેબસાઈટ સાઈબર ટ્રેઝરી બંધ થતા પક્ષકાર અને વકીલો પરેશાન થઈ ગયા છે. મિલકતના દસ્તાવેજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. રેવન્યુ બાર દ્વારા ચીફ સેક્રેટરી અને સાઈબર ટ્રેઝરી ઓફિસને રજુઆત કરાઈ છે.
છેલ્લા બે દિવસથી મિલકતના દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ ગરવીમાં પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી વેબસાઈટ સાઈબર ટ્રેઝરી બંધ હોય, મિલકતના દસ્તાવેજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે.
જે લોકોને નિશ્ચિત સમયમાં જ રજીસ્ટ્રેશન ફી ભરી અપોઈન્ટમેન્ટ લઈ દસ્તાવેજ કરવાનો હોય તે તમામ સામાન્ય પ્રજાને, વકીલોને, બિલ્ડરોને તેમજ મિલકતના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડી રહી છે. મિલકત રજીસ્ટ્રેશનની તમામ કાર્યવાહી અટકી ગઈ હોય, તેની જાણ થતા આજરોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડીયાએ આ અંગે ચીફ સેક્રેટરી અને સાઈબર ટ્રેઝરી ઓફિસને આ સંબંધિત જાણ કરી અને ત્વરિત કાર્યવાહી કરવા જણાવેલ.