રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક તરીકે અરજી કરતા પહેલાં જે શાળામાં નોકરી કરતા હોય તે શાળા મંડળની એનઓસી મેળવવાનો નિયમ રદ કરાયો છે. અગાઉના નિયમ અનુસાર જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે શાળા મંડળ- આચાર્યની એનઓસી લેવાની રહેતી હતી. પરંતુ ઘણા કિસ્સામાં સંચાલક મંડળ દ્વારા એનઓસી આપવામાં હેરાનગતિ કરવામાં આવતી હોવાના પગલે જોગવાઈને મુળ અસરથી રદ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવથી રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે સૂચનાઓ બહાર પાડવામાં આવેલી છે. આ ઠરાવમાં જોગવાઈ કરાયેલી હતી કે, ઉમેદવારે જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે જે શાળામાં હાલ નોકરી કરે છે તે શાળા મંડળ, આચાર્યની ગઘઈ મેળવવાની રહેશે અને એનઓસીની નકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાની રહેશે. શાળા મંડળ- આચાર્ય તરફથી સમય મર્યાદામાં ગેરવ્યાજબી કારણોસર એનઓસી ન મળવાના કિસ્સામાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી એનઓસી આપી શકશે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ તથા જોગવાઈઓ અનુસાર શાળા અને શાળામંડળ વિરુદ્ધ કાર્યવાહી કરવાની રહેશે.
આમ, આ જોગવાઈ મુજબ અન્ય શાળામાં નોકરી માટે અરજી કરનારા શિક્ષકને શાળા સંચાલક મંડળ પાસેથી એનઓસી મેળવવાની રહે છે. હાલના સમયમાં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા દરમિયાન નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે અને ઓનલાઈન અરજી વખતે ઉમેદવારે સંચાલક મંડળ પાસેથી મેળવેલી એનઓસીની તારીખ દર્શાવવાની હોય છે. પરંતુ ભરતી સમયે શાળા સંચાલક મંડળના અધિકૃત સભ્યોની ગેરહાજરી, શાળા સંચાલક મંડળના ચેરિટી કમિશનરમાં દાવા અંગે ચાલતા કેસો, શાળા સંચાલક પૈકી કોઈ સભ્ય જીવિત ન હોય તથા સમય મર્યાદા પૂર્ણ થયેથી અને નવા મંડળની નિમણૂક બાકી હોય વગેરે જેવા સંજોગોમાં ઉમેદવાર સમય મર્યાદામાં એનઓસી મેળવી શકતા નથી, કે નવી જગ્યાએ હાજર થવા છૂટા થઇ શકતા નથી.
જેથી આ જોગવાઈમાં ફેર-વિચારણા કરવાનું નક્કી કરાયું હતું. શિક્ષકોને પોતાની પસંદગીના સ્થળે તથા પસંદગીના હોદ્દા પર ફરજ બજાવવાની તક મળે તથા તેઓ પોતાનો વ્યક્તિગત વિકાસ કરી શકે તે હેતુસર અન્ય શાળામાં જવાની અરજી કરવા માટે શાળા સંચાલક મંડળની ગઘઈ મેળવવી ન પડે અને શિક્ષક પોતાની ઇચ્છા મુજબ વ્યક્તિ સ્વાતંત્ર્યનો હક ભોગવી શકે તે હેતુસર જોગવાઈમાં સુધારો કરવા અંગેની બાબત રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. વિચારણાના અંતે શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જોગવાઈને મુળ અસરથી રદ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી હવે જૂના શિક્ષકોને અરજી કરતા પૂર્વ શાળા મંડળ કે આચાર્યની એનઓસીની જરૂૂર રહેશે નહીં.
વધુમાં, શાળા સંચાલક મંડળે ઉમેદવારને નવી જગ્યાએ હાજર- છૂટા થવા માટે નિયમાનુસારની જરૂૂરી પ્રક્રિયા કરી સમયમર્યાદામાં હાજર છૂટા કરવાના રહેશે. આચાર્ય કે શિક્ષણ સહાયત ભરતી માટે અરજી કરનારા ફરજમાં ચાલુ હોય તેવા શિક્ષક- આચાર્યએ શાળા સંચાલક મંડળ પાસેથી એનઓસી લેવાની થતી નથી. પરંતુ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમની જોગવાઈ મુજબ શાળા સંચાલક મંડળને જાણ કર્યા અંગેનો પત્ર રજૂ કરવાનો રહેશે.
