અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્ગો મારફતે મોકલવામાં આવેલી અતિ કિંમતી માલમત્તા ગુમ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલા સોના-ચાંદીના દાગીનાના કુલ સાત પાર્સલ પૈકી એક પાર્સલ ગંતવ્ય સ્થાને ન પહોંચતા વેપારીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વેપારી દ્વારા કુલ સાત પાર્સલ અકાશા એરની ફ્લાઈટ મારફતે બેંગ્લોર મોકલવા માટે બુક કરવામાં આવ્યા હતા.
આ પાર્સલમાં અંદાજે રૂૂપિયા 2.57 કરોડની કિંમતના દાગીના હોવાનું જાણવા મળ્યું છે. બેંગ્લોર ખાતે પાર્સલની ડિલિવરી લેતી વખતે માત્ર છ જ બોક્સ મળી આવ્યા હતા, જ્યારે સૌથી કિંમતી દાગીના ધરાવતું સાતમું બોક્સ ગુમ જણાયું હતું.
પાર્સલ ગુમ થયાની જાણ થતા જ વેપારીએ એરલાઇન્સનો સંપર્ક કર્યો હતો, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આખરે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકાશા એર કંપની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
એરપોર્ટ જેવી હાઈ-સિક્યોરિટી જગ્યાએથી કરોડોની કિંમતનું પાર્સલ ગુમ થાય તે સામાન્ય બાબત નથી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે પાર્સલ અમદાવાદ એરપોર્ટ પરથી લોડ થયું હતું કે કેમ? આ ઘટનામાં એરલાઇન્સના સ્ટાફ કે ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણવા માટે અમદાવાદ અને બેંગ્લોર બંને એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
