જામનગર શહેરના જોલીબંગલા વિસ્તારમાં રાજકોટ રેન્જની પોલીસ ટીમે દરોડો પાડી બિલ કે ખરીદ-વેચાણના કોઈપણ પ્રકારના આધારભૂત પુરાવા વગર વેચાણ અર્થે સંગ્રહ કરાયેલો પાનમસાલા, તમાકુ અને સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કુલ રૂૂ. 15,41,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
જામનગરના જોલીબંગલા વિસ્તારમાં કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસે કેટલાક શખ્સો દ્વારા મોટા પ્રમાણમાં બિલ વગરનો શંકાસ્પદ પાનમસાલા, તમાકુ અને સિગારેટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં રાજકોટ રેન્જની ટીમે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી વિમલ પાનમસાલા, સિગ્નેચર પાનમસાલા, ફોર સ્ક્વેર સિગારેટ તેમજ બાગબાન તમાકુનાં નાનાં-મોટાં પાઉચ અને ટીનના ડબ્બા સહિતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર હાજર આમદ ગની મેમણ, કાદર ગની ફુલવાડી, મુકેશ પ્રભુલાલ જેસાણી અને દીપક રમણીક સોનછાત્રા નામના ચાર શખ્સોની પૂછપરછ કરી હતી.
જોકે, પાનમસાલા, તમાકુ અને સિગારેટના જથ્થા અંગે ચારેય શખ્સો કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હતા તેમજ ખરીદ-વેચાણનાં અધિકૃત બિલ કે અન્ય આધારભૂત પુરાવા પણ રજૂ કરી શક્યા ન હોવાથી પોલીસે વિવિધ બ્રાન્ડનો કુલ રૂૂ. 15,41,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
