પાલિતાણા: પોસ્ટ વિભાગમાં નોકરીના નામે યુવક સાથે રૂા.4 લાખની ઠગાઇ

બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો, બે ગઠિયાઓ સામે ફરિયાદ ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના હવા મહેલ ક્વાર્ટરમાં રહી હીરા ઘસવાનું કામ કરતા અમીત જાડેજા નામના…

બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો, બે ગઠિયાઓ સામે ફરિયાદ

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના હવા મહેલ ક્વાર્ટરમાં રહી હીરા ઘસવાનું કામ કરતા અમીત જાડેજા નામના યુવક સાથે પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂૂ.4 લાખની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપી છેતરપિંડી આચરવા અંગે ભોગ બનનાર યુવકે બે શખ્સો સામે પાલીતાણા ટાઉન પોલીસ મથકે વિશ્વાસઘાત અને બનાવટી કાગળો ઊભા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મે 2024માં અમીત જાડેજા પાલીતાણાના પોપડા વિસ્તારમાં આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાને બેસવા જતો હતો. આ દરમિયાન દુકાનદાર કિરીટસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રદિપે ’પોસ્ટ વિભાગમાં નોકરી માટે અમારે ઉપર સેટિંગ છે’ તેમ કહી નોકરી અપાવવાની લાલચ આપી હતી. નોકરી મેળવવા માટે રૂૂ.6 લાખની માગણી કરવામાં આવી હતી, જેમાંથી રૂૂ.4 લાખ અગાઉ અને બાકીના રૂૂ.2 લાખ નોકરી મળ્યા બાદ આપવાનું નક્કી થયું હતું. જેથી અમીતભાઈએ વિશ્વાસ મૂકીને કટકે કટકે ઓનલાઈન ગુગલ-પે તથા રોકડા મળી કુલ રૂૂ.4 લાખ પ્રદિપને ચૂકવી દીધા હતા.

દરમિયાન જાન્યુઆરી 2025માં પ્રદિપના કહેવાથી અમીત ભાવનગર પોસ્ટ ઓફિસે ગયો હતો, જ્યાં તેની મુલાકાત દિહોરના બળદેવ રમેશભાઈ રાઠોડ સાથે થઈ હતી. બળદેવે અમીતને પોસ્ટ ઓફિસનો એપોઇન્ટમેન્ટ લેટર આપી પાલીતાણા પોસ્ટ ઓફિસ ખાતે હાજર થવા જણાવ્યું હતું. જેથી ગત તા. 2 જાન્યુઆરી 2025ના રોજ અમીત પાલીતાણા પોસ્ટ ઓફિસે હાજર થવા જતાં, ત્યાંના અધિકારીઓએ તપાસ કરી આ એપોઇન્ટમેન્ટ લેટર સંપૂર્ણ ખોટો અને બનાવટી હોવાનો ખુલાસો કર્યો હતો. આ અંગે પ્રદિપ અને બળદેવનો સંપર્ક કરતાં તેઓએ ’હજુ સેટિંગ બાકી છે’ તેમ કહી અમીતને 10 દિવસ સુધી મોબાઈલ બંધ રાખી બહાર રહેવા જણાવી ગુમરાહ કર્યો હતો.

નોકરી ન મળતાં અને એકાદ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં પૈસા પરત ન મળતાં અમીતે પોતાના નાણાં પરત માગ્યા હતા. આરોપીઓએ અંદરોઅંદર બહાના બતાવી, પ્લોટ વેચીને કે અન્ય રીતે પૈસા ચૂકવી દેવાની વાતો કરી સમય પસાર કર્યો હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ જણાતાં અમીત જાડેજાએ પ્રદિપ ઝાલા (રહે. પાલીતાણા) અને બળદેવ રાઠોડ (રહે. દિહોર) સામે પાલીતાણા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *