બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ભારતમાં યોજાનારા ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં તેની મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પત્ર લખીને તેની મેચો શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાની વિનંતી કરી છે. BCB એ મુસ્તફિઝુર રહેમાનને ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માંથી પડતો મુક્યો ત્યાર પછી આ પગલું ભર્યું છે.
BCB પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યું છે ત્યારે હવે પાકિસ્તાન આ વિવાદમાં ઉતરી ગયું છે. જીઓ સુપરના અહેવાલ મુજબ જો શ્રીલંકા બાંગ્લાદેશની ટી-20 વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવા માટે ઉપલબ્ધ ન હોય તો તે તેનું આયોજન કરવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના તમામ મેદાનો ટી-20 વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. PCB પહેલાથી જ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025 જેવી મોટી ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે અને તેથી તે આ મેચોનું યોગ્ય રીતે આયોજન કરવા સક્ષમ છે તેવો દાવો કર્યો છે.
