પોતાના દેશમાં ભૂખમરો અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે મધ્ય પૂર્વના યુદ્ધમાં કૂદી પડ્યું છે. ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા જતા તણાવને પગલે પાકિસ્તાને સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પોતાની પરમાણુ મિસાઇલ રેજિમેન્ટ અને વાયુસેના (ઙઅઋ) ને હાઇ એલર્ટ પર મૂકી દીધી છે. ઇસ્લામાબાદની આ જાહેરાતે સમગ્ર મુસ્લિમ વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચોંકાવી દીધો છે, કારણ કે આ પગલાથી પ્રાદેશિક સંઘર્ષ હવે વૈશ્વિક કટોકટીમાં પરિવર્તિત થઈ શકે છે. પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે દાયકાઓ જૂનો ’1982 ડિફેન્સ પ્રોટોકોલ’ તાત્કાલિક અસરથી સક્રિય કરવામાં આવ્યો છે.
આ સંધિ હેઠળ પાકિસ્તાન સાઉદી અરેબિયાની પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે કાયદેસર રીતે બંધાયેલું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા ગલ્ફ દેશોના તેલ અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાને આ કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનનો આ સીધો સંદેશ છે કે સાઉદીના સંસાધનો પર હુમલો તેને મોંઘો પડશે.
વિશ્ર્લેષકો માને છે કે પાકિસ્તાનનો આ નિર્ણય તેની આર્થિક મજબૂરીનું પરિણામ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સાઉદી અરેબિયા દ્વારા મળતા નાણાકીય પેકેજો અને તેલ પુરવઠા પર ટકી રહી છે. જો સાઉદી અરેબિયાના તેલ ક્ષેત્રો પર કોઈ હુમલો થાય, તો તેની સીધી અસર પાકિસ્તાનની ’આર્થિક કરોડરજ્જુ’ પર પડશે. આમ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાકિસ્તાન પાસે સાઉદી અરેબિયાના પડખે ઉભા રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
પાકિસ્તાન જેવી પરમાણુ શક્તિના પ્રવેશથી યુદ્ધના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હવે આ લડાઈ માત્ર ઈરાન અને ઈઝરાયલ કે અમેરિકા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ મુસ્લિમ વિશ્વના બે સૌથી શક્તિશાળી જૂથો સામસામે આવી ગયા છે. જો સંઘર્ષ વધશે તો વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાઈ જશે અને વિશ્વ આર્થિક મંદીમાં ધકેલાઈ જશે. અત્યારે પાકિસ્તાની મિસાઇલો રાસ તનુરા જેવી મહત્વપૂર્ણ તેલ સુવિધાઓના રક્ષણ માટે તૈયાર છે, જે દર્શાવે છે કે સ્થિતિ અત્યંત નાજુક છે.
