પાક.-અફઘાન વચ્ચે ફરી ભડકો, સંપૂર્ણ યુદ્ધ જેવી સ્થિતિ

પાકિસ્તાનની એર સ્ટ્રાઇક બાદ કલાકોમાં જ અફઘાનિસ્તાનનો લશ્કરી મથકો-શહેરો પર ડ્રોન એટેક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ હવે સંપૂર્ણ લશ્કરી સંઘર્ષ તરફ વધી રહ્યો હોય…

પાકિસ્તાનની એર સ્ટ્રાઇક બાદ કલાકોમાં જ અફઘાનિસ્તાનનો લશ્કરી મથકો-શહેરો પર ડ્રોન એટેક

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ હવે સંપૂર્ણ લશ્કરી સંઘર્ષ તરફ વધી રહ્યો હોય તેવું લાગે છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે કરવામાં આવેલા હવાઈ હુમલાના બદલામાં, તાલિબાન અને ’અફઘાન સંરક્ષણ દળો’ એ મોટા પાયે વળતો હુમલો શરૂૂ કર્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, અફઘાન સૈન્યએ પાકિસ્તાનના અનેક શહેરોને લક્ષ્ય બનાવીને ડ્રોન હુમલા કર્યા છે.

અગાઉ, ગઇકાલે મોડી રાત્રે અને શુક્રવારની વહેલી સવારે, પાકિસ્તાને અનેક અફઘાન પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અફઘાન તાલિબાનના બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રવક્તા આબિદુલ્લાહ ઉકાબે જણાવ્યું હતું કે તેઓએ પાકિસ્તાન સામે બદલો લેવા માટે હુમલા શરૂૂ કર્યા છે. તેમનો દાવો છે કે તેઓએ પાકિસ્તાનના વિવિધ શહેરોને લક્ષ્ય બનાવીને હવાઈ હુમલા (ડ્રોન હુમલા) કર્યા છે.

ઉકાબે જણાવ્યું હતું કે, “આ હુમલાઓમાં, અફઘાન તાલિબાન દાવો કરે છે કે તેમણે કોહાટમાં સેન્ટ્રલ કમાન્ડ, કોહાટ બ્રિગેડ અને તેની સાથે સંકળાયેલા કેમ્પ સહિત પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા છે.” હાલમાં, પાકિસ્તાનના વિવિધ શહેરોમાંથી વિસ્ફોટોના અહેવાલો આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર છે.

અફઘાન તાલિબાન સંરક્ષણ દળોએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી હજુ પૂર્ણ થઈ નથી. તાલિબાનના પ્રવક્તાએ જાહેર કર્યું છે કે, “આપણી ધરતી પર કરવામાં આવતા દરેક હુમલાનો જવાબ હવે તેમની પોતાની ધરતી પર જ આપવામાં આવશે.” સરહદી વિસ્તારોમાં ભારે તોપમારો અને લશ્કરી પ્રવૃત્તિમાં વધારો થયો હોવાના અહેવાલ છે.

આ હુમલાઓએ દક્ષિણ એશિયામાં અસ્થિરતાનો એક નવો તબક્કો શરૂૂ કર્યો છે. જ્યારે પાકિસ્તાન આ હુમલાઓને આતંકવાદી ઠેકાણાઓ સામેના ઓપરેશન તરીકે દર્શાવે છે, ત્યારે અફઘાનિસ્તાન તેમને તેના સાર્વભૌમત્વ પર હુમલો માને છે અને પરિણામે આક્રમક વલણ અપનાવ્યું છે. નિષ્ણાતો માને છે કે જો તાત્કાલિક યુદ્ધવિરામ સ્થાપિત કરવામાં ન આવે, તો આ નાની અથડામણ મોટા પ્રાદેશિક યુદ્ધમાં પરિણમી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *