બાળકો માટે આનંદદાયક, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ ઉભું કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની આંગણવાડીઓને વધુ આકર્ષક, સુવિધાસભર અને આધુનિક બનાવવા માટે વિશેષ આંગણવાડી નવીનીકરણ ડ્રાઈવ તા.16/01/2025 થી તા.31/01/2025 સુધી અમલમાં મૂકવામાં આવેલ હતી. આ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની હસ્તકની 286 આંગણવાડીઓમાં કલરકામ, માળખાગત સુધારણા તેમજ સ્માર્ટ આંગણવાડીના સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
નવીનીકરણ ડ્રાઈવ હેઠળ આંગણવાડી ભવનમાં આંતરિક તથા બાહ્ય કલરકામ, બાળકોને અનુકૂળ શૈક્ષણિક ચિત્રો, સ્વચ્છતા સુવિધાઓમાં સુધારો, તેમજ શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે ચિત્રોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ આંગણવાડીમાં આવતાં નાના બાળકોને આનંદદાયક, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો તેમજ તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ આંગણવાડી કાર્યકરોને વધુ સક્ષમ બનાવવા માટે જરૂૂરી માર્ગદર્શન અને સહાય પણ આપવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા બાળ વિકાસ ક્ષેત્રે સતત પ્રતિબદ્ધ છે અને શહેરની આંગણવાડીઓને આધુનિક બનાવવાના દિશામાં આવા જનહિતકારી કાર્યક્રમો આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
