પડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત

ચોમાસાની શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા પડધરી…

ચોમાસાની શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા પડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામના કારોબારી સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ છગનભાઈ પીપળીયા નામના 44 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતાં ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તબિયત લથડતાં તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે કલ્પેશભાઈ પીપળીયાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક કલ્પેશભાઈ પીપળીયા બે ભાઈમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કલ્પેશભાઈ પીપળીયા ઈમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. કલ્પેશભાઈ પીપળીયા રાજકોટના વોર્ડ નં.4ના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતાં અને ઈસ્ટ ઝોન ખોડલધામ કારોબારી સભ્ય પદે સેવા આપતાં હતાં. કલ્પેશભાઈ પીપળીયા થોરીયાળી અને ખોડાપીપર ગામની સીટ ઉપરથી ચુંટાઈ આવ્યા હતાં અને પડધરી તાલુકા પંચાયતના સદસ્ય હતાં. કલ્પેશભાઈ પીપળીયાને હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *