પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા એક નવું રાજકીય સમીકરણ ઊભું થઈ રહ્યું છે, જે સત્તાધારી અને વિપક્ષ બંને માટે પડકારરૂૂપ બની શકે છે. અસદુદ્દીન ઓવૈસીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી હુમાયુ કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ ગઠબંધનને સત્તાવાર રૂૂપ આપવા માટે 25 માર્ચે કોલકાતામાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં બંને નેતાઓ ગઠબંધનની સંપૂર્ણ રૂૂપરેખા જાહેર કરશે.ચૂંટણીના ગણિતની વાત કરીએ તો, હુમાયુ કબીરની પાર્ટી પહેલેથી જ રાજ્યની 182 બેઠકો પર ઉમેદવારો ઊભા કરવાની જાહેરાત કરી ચૂકી છે. હવે AIMIM પણ આ ગઠબંધનમાં જોડાતા લગભગ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખે તેવી શક્યતા છે. કબીરે પ્રથમ તબક્કામાં 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં રાનીનગર, ભગવાનગોલા અને મુર્શિદાબાદ જેવી મહત્વપૂર્ણ બેઠકોનો સમાવેશ થાય છે.
ખાસ વાત એ છે કે હુમાયુ કબીર પોતે મુર્શિદાબાદ જિલ્લાના ત્રણ વિસ્તારો – ભગવાનગોલા, નૌદા અને રાજીનગર – પરથી ચૂંટણી લડવાના છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 23 એપ્રિલ, 2026ના રોજ 152 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 29 એપ્રિલે 142 બેઠકો માટે મતદાન યોજાશે. સમગ્ર રાજ્યના પરિણામો 4 મે, 2026ના રોજ જાહેર કરવામાં આવશે.રાજકીય વિશ્ર્લેષકોના મતે, આ ગઠબંધન રાજ્યના ચૂંટણી સમીકરણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે. હાલ મુખ્ય મુકાબલો મમતા બેનર્જીની અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે માનવામાં આવે છે, પરંતુ AIMIM અને AJDUPનું આ નવું જોડાણ ખાસ કરીને લઘુમતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં મતોના વિભાજનનું કારણ બની શકે છે.
2021ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો લગભગ રાજકીય રીતે ગાયબ થઈ ગયા હતા, ત્યારે આ નવું ગઠબંધન ’ત્રીજા મોરચા’ તરીકે ઉભરવાની કોશિશ કરી રહ્યું છે. જો આ મોરચો કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર પ્રભાવ પાડી શકશે, તો તે ‘કિંગમેકર’ની ભૂમિકા પણ ભજવી શકે છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આ ગઠબંધન ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ માટે પડકાર ઊભો કરી શકે છે અને ચૂંટણીનું સમીકરણ વધુ રસપ્રદ બનાવી શકે છે.
