વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આયોજન, 25 આઇકોનિક સ્થળે મહાનુભાવોની હાજરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 76માં જન્મ દિવસની આજે ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સાંજે રાજયમાં કુલ 18500 સ્થળે 88 લાખથી વધુ દીવા પ્રગટાવવાનું વિશાળ આયોજન કરાયું છે.
રાજયના કુલ 25 આઇકોનીક સ્થળોએ ‘આશિર્વાદનો દીવડો’ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે જેમાં મેયરથી માંડી કેન્દ્રીય મંત્રી સુધીના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન (17 સપ્ટેમ્બર) નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવાનાર ’સેવા સંકલ્પ અભિયાન’ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે સમગ્ર રાજ્યમાં 18,500થી વધુ સ્થાનિક સ્થળોએ મળીને કુલ 88 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવાશે.
સાંજે 6:00 વાગ્યાથી ભજન-સંધ્યા, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થશે અને ત્યારબાદ સાંજે 7:00 વાગ્યે મંદિરોની ભવ્ય આરતી સાથે દીવા પ્રગટાવાશે. આ દીપોત્સવ અને જનસેવાના કાર્યક્રમો મંદિરો, પવિત્ર તળાવો, નદી કિનારા, મુખ્ય ચોક, સર્કલ્સ, ટાઉન હોલ, ગાર્ડન તેમજ એપીએમસી (APMC) જેવા મહત્ત્વના સાર્વજનિક સ્થળો પર યોજાશે.
આ અભિયાનને જનજાગૃતિ અને લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બનાવવા માટે શહેરી અને સ્થાનિક ક્ષેત્રોમાં વ્યુહરચનાબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. 17 મહાનગરપાલિકાઓના 287 વોર્ડ અંતર્ગત આવતા 12,481 સ્થળો પર સ્થાનિક કાર્યક્રમો યોજાશે, જેમાં આશરે 15,95,000 નાગરિકો જોડાશે. આ ઉપરાંત શહેર કક્ષાના મુખ્ય કાર્યક્રમો અને ભજન સંધ્યામાં પણ લાખો લોકો ઉપસ્થિત રહેશે. નગરપાલિકા વિસ્તારોમાં પણ 152 મુખ્ય કાર્યક્રમો તેમજ અન્ય 5,740 સ્થળો પર ભજન સંધ્યા અને સાંસ્કૃતિક આયોજનો દ્વારા લાખો લોકો આ અભિયાનનો હિસ્સો બનશે.
આ સમગ્ર માસ દરમિયાન છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે ’સેવા સેતુ’ અને જનકલ્યાણ અભિયાન વેગવંતુ બનશે, જેમાં આયુષ્માન કાર્ડ વિતરણ, અનાજ વિતરણ અને ખેડૂત લક્ષી યોજનાઓ પર વિશેષ ભાર મૂકાશે. પત્રકાર પરિષદના અંતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના પ્રત્યેક નાગરિકને હાર્દિક અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરમાં એક દીવડો પ્રગટાવીને ’વિકસિત ભારત 2047’ના રાષ્ટ્રીય સંકલ્પમાં સહભાગી બને.
આજે સવારે વડનગરથી વારાણસી સુધી સેવા યાત્રા કરનારા બાઈકર્સ પણ રસ્તામાં આવતા ગામોમાં આ અભિયાનને આગળ વધારશે.રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશે. જ્યારે અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાઆરતી કરશે.તે સિવાય સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબહેન બામણિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ રાજકોટમાં હિરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સેવા સંકલ્પ અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
18500 સ્થળોએ દીવડો આશીર્વાદનો કાર્યક્રમમાં 20 લાખથી વધુ નાગરિકોને જોડવા માટે આયોજન હોવાનું જણાવતાં પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે 17મી સપ્ટેમ્બરની સાંજે છ વાગ્યાથી મંદિરોથી લઈને તળાવ,નદી,ચોક,શહેરોના મુખ્ય દરવાજા,દૂધની ડેરી,પ્રતિમા,ટાઉનહોલ,બગીચા અને માર્કેટયાર્ડમાં ભજન-સંધ્યા, સત્સંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તમામ નેતાઓ આજે વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરશે.
