મૃતકના પરિવારે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણીમાં નવો વળાંક
ગોંડલના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. માર્ચ મહિનામાં બનેલી ચર્ચાસ્પદ ઘટના મામલે મૃતકના પરિવારજનોએ તપાસ સીબીઆઈને સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણીમાં નવો વળાંક આવ્યો છે. હાઇકોર્ટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ઊભી થયેલી શંકાઓ તેમજ વાહનની સ્થિતિ અને પંચનામા નિષ્ણાતોના અભિપ્રાયો સહિતની બાબતો ચકાસી આ મામલાની તપાસ અન્ય એજન્સી પાસે કરાવા યોગ્ય ગણાવી અને આ કેસની તપાસ રાજકોટ જિલ્લા સિવાયના ત્રણ એસપી પાસે કરાવવા હુકમ કર્યો છે. આ એસપીના નામ સરકાર પક્ષે નક્કી થશે પણ તે નામો અરજદાર પક્ષ પણ ચકાસી શકશે તેમ હુકમમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસની સુનાવણી હજુ ચાલુ રહેશે.
રાજકુમાર જાટ કેસની હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલે આ કેસ અકસ્માત નહિ પણ હત્યાનો હોવાનો તેમજ પોલીસ યોગ્ય તપાસ ન કરવાની દલીલ કરી હતી. રાજકુમાર લાપતા થયો તે પહેલાં અમુક શખસોએ તેને ઘરમાં બોલાવીને માર્યો હતો. 3 માર્ચે ગાયબ થયો હતો અને તે અંગે ગોંડલ પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસ પાસે મદદ માગવામાં આવી હતી ત્યાં પાંચ દિવસ સુધી તેનો મૃતદેહ રાજકોટ સિવિલમાં પડ્યો હતો અને પર 42 ઈજાના નિશાન ખાસ કરીને હાથ અને પગ પર લાકડીથી માર માર્યાના અને ગુપ્તાંગમાં પણ અંદર સુધીની ઈજા હતી. આમ આ ઘણી શંકાઓ ઉપજાવતી ઘટના છતાં પોલીસે અકસ્માતમાં ખપાવી નાખી છે.
સરકાર પક્ષના વકીલોએ આ અકસ્માત હોવાની વાત ગણાવી હતી. જોકે હાઈકોર્ટે એક બાદ એક પ્રશ્ન કર્યા હતા જેમાં પોલીસની તપાસમાં ઘણી ઊણપ દેખાઈ આવી હતી. કોર્ટે સૌથી પહેલા સમગ્ર ઘટનાક્રમ જાણ્યો હતો અને બાદમાં પીએમ રિપોર્ટમાં પ્રશ્ન કર્યા હતા. અરજદારે રાજકુમાર જાટના ગુપ્ત ભાગની અરજીઓના ફોટા સાથે અભિપ્રાય આપ્યો હતો.
પોલીસે તેના આધારે અકસ્માત હોવાનું કહેતા કોર્ટે પીએમ રિપોર્ટ સામે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા અને તેને નિષ્ણાતો પાસે એક ચેક કરાવવા કહ્યું હતું. કોર્ટે તબક્કે એવું પણ કહ્યું કે ચાલો માનીએ કે આ હત્યા નથી અકસ્માત છે, તો તે સ્પષ્ટ રીતે જણાવો. તેમ કહીને એક બાદ એક બાબતે સ્પષ્ટતા માગી હતી. અંતે કહ્યું હતું કે, તપાસ અન્યને ટ્રાન્સફર કરવા માટે આ કેસ ફિટ છે. સીબીઆઈ કે પછી અન્ય જિલ્લો તે તમે નક્કી કરો. બાદમાં 3 એસપીને તપાસ આપવા અને તે નામો પણ સરકાર પક્ષ આપશે તેવું પણ કહ્યું હતું.
માણસ અથડાય તો બસ ગાર્ડ ના તૂટે, ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટ શંકાસ્પદ: હાઇકોર્ટ
જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો. તે વાહનનો એફએસએલ રિપોર્ટ ક્યાં છે? શું બ્રેક ફેલ હતી? વળી હાઇકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો. કારણ કે, મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા. તે ચોક્કસ શેનાથી થયા તેમાં જણાવ્યું ન હોતું. અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હતી. જજે કહ્યું કે, વાહનના એફએસએલના રિપોર્ટ લાવો, જ્યારે અકસ્માત અંગે ડ્રાઈવરનું નિવેદન કોર્ટે ચકાસ્યું તો તેમાં એવું લખ્યું હતું કે, રોજડું અથડાયું છે. તો સરકાર પક્ષના વકીલે કહ્યું કે, એવું તેનું કહેવું હતું. જેથી કોર્ટે જણાવ્યું કે, બસ સાથે માણસ અથડાય અને રોજડું અથડાય તેમાં બસમાં થતા નુકસાનમાં ફરક આવે. માણસ અથડાવવાથી બસના બમ્પર કે ગાર્ડ ન તૂટી જાય.
