રાજકોટ જિલ્લામાં એક સાથે 225 પોલીસ કર્મીઓની બદલીના હુકમ

રાજકોટ જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા…

રાજકોટ જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા એક જ ઝાટકે જિલ્લાના 225 જેટલા પોલીસ કર્મચારીઓની સામૂહિક આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ બદલીઓમાં જમાદાર થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પોલીસ વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મોટા પાયે ફેરફાર પાછળનો મુખ્ય હેતુ વહીવટી સુધારણા અને કામગીરીમાં નવીન ઊર્જા લાવવાનો છે. જિલ્લા પોલીસ વડાએ લીધેલા આ નિર્ણય અંતર્ગત, જે પોલીસ કર્મચારીઓ છેલ્લા 3 વર્ષ કે તેથી વધુ લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા એક જ એકમમાં ફરજ બજાવી રહ્યા હતા, તે તમામની આંતરિક બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા મોટા ભાગના કર્મચારીઓને હવે જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં નવી જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ આંતરિક ફેરબદલનો હેતુ પોલીસ વિભાગમાં પારદર્શિતા જાળવવાનો, વહીવટી કાર્યક્ષમતા સુધારવાનો અને સમગ્ર જિલ્લામાં સંતુલિત માનવબળની વ્યવસ્થા ગોઠવવાનો છે. આ પ્રકારના ફેરફારોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે અને સ્થાનિક સ્તરે પોલીસિંગ વધુ સુદ્રઢ થશે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો, ટ્રાફિક શાખા અને અન્ય વહીવટી કચેરીઓમાંથી કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં ઔદ્યોગિક અને વ્યસ્ત વિસ્તાર એવા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાંથી 16 અને ગોંડલ સીટી એ-ડિવિઝનમાંથી 16 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આટકોટ પોલીસ મથકમાંથી સૌથી વધુ 17 અને ઉપલેટામાંથી 14 કર્મચારીઓની આંતરિક ફેરબદલ થઈ છે. કોટડાસાંગાણીમાંથી 13 અને જસદણ પોલીસ સ્ટેશનમાંથી 12 કર્મચારીઓને અન્ય સ્થળે ખસેડાયા છે.

તેમજ જેતપુર સીટીમાંથી 12 અને જેતપુર તાલુકામાંથી 7 કર્મચારીઓની બદલી કરાઈ છે, જ્યારે ગોંડલ તાલુકા પોલીસ મથકના 11 કર્મચારીઓ બદલાયા છે. ભાયાવદર પોલીસ સ્ટેશનના 11 અને યાત્રાધામ વીરપુરના 9 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ થયા છે. જિલ્લા ટ્રાફિક શાખામાંથી 8 અને મહિલા પોલીસ મથકમાંથી 5 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જીલ્લાના વિસ્તારો જેવા કે લોધિકામાંથી 8, પડધરીમાંથી 8, જામકંડોરણામાંથી 7, ભાડલામાંથી 7, વીછીયામાંથી 7, ધોરાજી સીટીમાંથી 5 તેમજ પાટણવાવ પોલીસ મથકમાંથી 5 કર્મચારીઓની બદલી થઈ છે. વહીવટી કચેરીઓ અને અન્ય વિભાગમાંથી બદલી કરવામ આવી છે જેમાં ડીવાયએસપી કચેરીના 4 કર્મચારીઓ અને મેટોડા, એમટી (મોટર ટ્રાન્સપોર્ટ) વિભાગ તેમજ હેડ ક્વાર્ટર્સમાંથી એક-એક કર્મચારી મળી કુલ 225 જવાનોને નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે.

એક સાથે આટલી મોટી સંખ્યામાં બદલીના આદેશો છૂટતા જ રાજકોટ જીલ્લા પોલીસ તંત્રમાં ભારે ફફડાટ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, વરિષ્ઠ અધિકારીઓના મતે આ એક નિયમિત વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, જેનાથી તંત્રમાં નવીનતા આવશે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં વધુ સરળતા રહેશે. તમામ બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *