માતા-પિતાની સહમતીના બદલે લગ્ન બાદ જાણ કરવાના નિયમનો વિરોધ

પ્રેમલગ્ન માટે સરકારે રજૂ કરેલો સુચિત ડ્રાફટ ખોડલધામ-વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અને એસ.પી.જી.એ અધકચરો ગણાવ્યો ગુજરાતમાં પ્રેમલગ્નના નામે ચાલતા લવજેહાદ અને દિકરીઓને ફસાવવાના કારસા નાબુદ કરવા…

પ્રેમલગ્ન માટે સરકારે રજૂ કરેલો સુચિત ડ્રાફટ ખોડલધામ-વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અને એસ.પી.જી.એ અધકચરો ગણાવ્યો

ગુજરાતમાં પ્રેમલગ્નના નામે ચાલતા લવજેહાદ અને દિકરીઓને ફસાવવાના કારસા નાબુદ કરવા રાજય સરકારે લગ્ન નોંધણીના નવા નિયમોનો ડ્રાફટ આજે વિધાનસભામાં રજુ કરી વાંધા-સુચનો માંગ્યા છે ત્યાંજ સામાજિક સંસ્થાઓ અને આગેવાનોમાં અધકચરા નિયમોનો વિરોધ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહમતી ફરજીયાત બનાવવાના બદલે લગ્નના દસ દિવસમાં માતા-પિતાને જાણ કરવાના નિયમનો વિરોધ કરાયો છે.

ખોડલધામ
રાજ્યમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ફેરફારો હવે સામાજિક અને રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ મુદ્દે ખોડલધામ સંસ્થાના અગ્રણી હસમુખભાઈ લુણાગરિયાએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, આ માંગણી સૌપ્રથમ વર્ષ 2022માં ગેનીબેન ઠાકોર દ્વારા વિધાનસભામાં ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ ખોડલધામ, ઉમિયા પરિવાર અને અન્ય વિવિધ સમાજોએ સરકારને રજૂઆત કરી હતી. હસમુખભાઈએ યાદ અપાવ્યું કે બે મહિના પહેલા જ્યારે સામાજિક અગ્રણીઓ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા, ત્યારે સરકારે ખાતરી આપી હતી કે આગામી વિધાનસભામાં એવો કાયદો લાવવામાં આવશે જેથી દીકરીના માતા-પિતાએ યાતના ન ભોગવવી પડે. જોકે, વર્તમાન સુધારા મુજબ જો સરકાર લગ્ન નોંધણીના 30 દિવસ બાદ પરિવારને જાણ કરવાની વાત કરતી હોય, તો તે બાબત હસમુખભાઈના મતે બિલકુલ યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે લગ્ન નોંધણી થયા પછી જાણ કરવાનો કોઈ અર્થ નથી; વાસ્તવિક જરૂૂરિયાત એ છે કે નોંધણી પહેલા માતા-પિતાને જાણ કરવામાં આવે અને તેમની સંમતિ મળ્યા બાદ જ પ્રક્રિયા આગળ વધે.

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન
આ જ સુર પુરાવતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પણ સરકારના પગલાને આવકારવાની સાથે એક મહત્વનું સૂચન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે માત્ર નોટિસ મોકલવી પૂરતી નથી, પરંતુ લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. આર.પી. પટેલના મતે ઘણા કિસ્સાઓમાં સંપત્તિ પડાવવાના ઈરાદે લગ્ન થતા હોય છે, તેથી સરકારે આવા કિસ્સાઓમાં વિશેષ તકેદારી રાખવી જોઈએ. તેમણે વધુમાં માંગ કરી છે કે લગ્ન નોંધણીના દસ્તાવેજોની ચકાસણી બાદ ઙઈં (પોલીસ ઇન્સ્પેક્ટર) કક્ષાના અધિકારીનું પ્રમાણપત્ર અનિવાર્ય બનાવવામાં આવે, જેથી અસામાજિક તત્વો દ્વારા પરિવારને થતી હેરાનગતિ રોકી શકાય.

સરદાર પટેલ ગૃપ
બીજી તરફ, SPG (સરદાર પટેલ ગ્રુપ) ના અધ્યક્ષ લાલજી પટેલે આ મામલે સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમણે વર્તમાન સુધારાને ’અસંતોષકારક’ ગણાવતા કહ્યું છે કે જ્યાં સુધી પાંચ મુખ્ય માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

લાલજી પટેલની માંગ છે કે લગ્ન નોંધણીની સત્તા તલાટીને બદલે મામલતદાર કે કલેક્ટર કક્ષાના અધિકારી પાસે હોવી જોઈએ. તેમણે તર્ક આપ્યો હતો કે વોટ્સએપ જેવી માધ્યમોથી જાણ કરવાથી ભાગીને થતા લગ્નો અટકવાના નથી. લાલજી પટેલે સૂચવ્યું કે લગ્ન બાદ દીકરીને સીધી પતિને સોંપવાને બદલે પહેલા તેના માતા-પિતા પાસે લઈ જવી જોઈએ જેથી તેને છેતરાઈને લેવાયેલા નિર્ણય વિશે સમજાવી શકાય. આમ, સામાજિક અગ્રણીઓ એકસૂરે માની રહ્યા છે કે સરકારના સુધારા માત્ર ’જાણકારી’ પૂરતા સીમિત ન રહીને ’પૂર્વ મંજૂરી’ અને ’સુરક્ષા’ પર કેન્દ્રિત હોવા જોઈએ.

નિયમોની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિષ થતી હતી: હર્ષ સંઘવી

પંચમહાલના બે ગામોમાં કોઇ મુસ્લિમ ન હોવા છતાંય અગણિત નિકાહ થયા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં આજે લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર રજૂ કર્યા હતા. ત્યાર બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાને વાચા આપવા લગ્ન નોંધણી નિયમોમાં કડકાઈ સાથે ટ્રાન્સપરન્સી કરી છે. સરકાર દ્વારા માતાઓને અદ્ભુત કવચ આપવામાં આવ્યું છે.તેમણે કહ્યું કે દીકરી જન્મે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બની ઉછરે છે . દીકરી યુવાન થાય ત્યારે લેભાગુ, ટપોરીઓ દીકરીઓને ટાર્ગેટ કરે છે અને દીકરીઓનું જીવન બગાડે છે . તુલસીનો ક્યારો વિખેરી નાખવાનું આવા ટપોરીઓ કરે છે. બે વર્ષમાં નિયમો ની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિશ થઈ તેમણે કહ્યું કે જે અધિકારીઓ આવા લોકો સાથે જોડાયા હતા આવા અધિકારી અને લોકો સામે કડકાઈ થી પગલા ભરાયા છે તથા સિસ્ટમમાં રહેલા લોકોને કેસ કરી જેલના સળિયા પાછળ મોકલાયા છે. પંચમહાલ મા કંકોડા કુઈ અને નાથ કુવા ના ઉદાહરણ છે . બે ગામમાં કોઈ મુસ્લિમ રહેતું નથી, કોઈ દરગાહ નથી. છતાં પણ આ ગામમાં અગણિત નિકાહ કેવી રીતે થાય તેમણે કહ્યું કે એક કમિટી બનાવી છે . એ કમિટી સૂચનો અભ્યાસ કરી નિર્ણય કરશે. ગુજરાત ક્યારેય પ્રેમ અને લગ્નના વિરોધમાં ના હોય શકે. બે અક્ષરમાં પ્રેમ દુનિયાને સાથે રાખવાનું કામ કરે છે . પવિત્ર પ્રેમ ને છળ કપટ થી ફસાવવાની કોશિશ થશે તો છોડવામાં નહી આવે. આવા એક એક અસામાજિક, ટપોરી, લેભાગુ ને સરકાર છોડશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *