માળિયાના રાસંગપર હેવી વીજલાઇનનો વિરોધ

માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામની ખેતીની જમીન પર બે હેવી વીજ લાઈન તો પસાર થઈ રહી છે. તેવામાં હજુ નવી વીજલાઈન આવી રહી હોય, ખેડૂતોએ…

માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામની ખેતીની જમીન પર બે હેવી વીજ લાઈન તો પસાર થઈ રહી છે. તેવામાં હજુ નવી વીજલાઈન આવી રહી હોય, ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 70 ટકા ખેડૂતોની જમીન હેવી લાઈન અને ટાવરથી ઘેરાઈ જવાના કારણે વરવી પરિસ્થિતિ ઉભી થવાની છે. આ મામલે તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે.

માળીયા તાલુકાના રાસંગપર ગામના ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું કે ગામની ફળદ્રુપ જમીન પર વીજ લાઈનોનું જંકશન બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે અમારા અસ્તિત્વ અને આજીવિકા સામે ગંભીર સંકટ ઊભું થયું છે. અમારા ગામના ખેતરોમાંથી પહેલેથી જ બે હેવી વીજ લાઈનો પસાર થાય છે. હવે નવી હેવી વીજ લાઈનો આવવાની છે અને અમુક કંપનીનો સર્વે પણ ચાલુ જ છે. આ બાબત અંગે ગંભીર ચિંતા અને વિરોધ વ્યક્ત કરીએ છીએ હાઈ ટેન્શન લાઈનના મોટા ટાવર (થાંભલા) બેસાડવાથી ખેતી લાયક જમીનનો મોટો હિસ્સો બગડે છે. ટ્રેક્ટર ચલાવવામાં કે ખેતીકામ કરવામાં કાયમી અવરોધ ઊભો થાય છે અને હાઈ વોલ્ટેજ વાયરો નીચે કામ ક2તી વખતે ચોમાસામાં કે પવનમાં ખેડૂતો અને પશુઓના જીવનું જોખમ રહેલું છે.

કંપનીઓ દ્વારા ભારે મશીનરીનો ઉપયોગ કરવાથી જમીનનું ઉપરનું પડ નાશ પામી રહ્યું છે. જે ભવિષ્યમાં પાકની પેદાશ પર માઠી અસર કરશે. વીજ વાઈન પસાર થયા પછી તે જમીન પર કૂવો, બોરવેલ કે કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા પર કાયદાકીય પ્રતિબંધ આવી જાય છે. આ કાયમી નુકસાનનું વળતર કંપની દ્વારા આપવામાં આવતું નથી. જે ખેતરમાંથી આવી વાઇન નીકળે છે તેની બજાર કિંમત સાવ ઘટી જાય છે અને આવી જમીન વેચીએ તો કોઈ લેવા પણ રાજી થતા નથી. જેનાથી ખેડૂતને આર્થિક પાયમાલીની સામનો કરવો પડે છે. અમારા વિસ્તારમાં આવી બધી જ હેવી લાઈન આવશે તો અમારા ગામના 70% ખેડૂતોના ખેતરમાં તો થાંભલા અને વીજ વાયર જ થઈ જશે અને આ જમીનની કોઈ કિંમત નહિ આવે.

અમારી માંગ છે કે આ લાઈન ખેડૂતોના ફળદ્રુપ ખેતરોમાંથી પસાર કરવાને બદલે સરકારી પડતર જમીન કે રસ્તાની બાજુમાંથી લઈ જવામાં આવે અથવા ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગ કરવામાં આવે અને જો આ લાઇન નાખવી અનિવાર્ય હોય તો દરેક અસરગ્રસ્ત ખેડૂતને જમીનની આજની બજાર કિંમત મુજબ યોગ્ય અને સંતોષકારક વળતર ચૂકવવામાં આવે. કારણ કે હાલમાં જે વળતર આપવામાં આવે છે તે ઓછું છે. કંપની દ્વારા કામ ચાલુ કર્યા પછી અમે લોકો સરકારી કચેરી કે કંપનીના અધિકારીઓને વધારે વળતર આપવા માટે રજુઆત કરીએ તો અમને કોર્ટમા જવા માટે કહેવામાં આવે છે. હવે ગામના નાના માણસ પાસે આના માટે સમય, અભ્યાસ કે પૈસા પણ નથી હોતા. ખેડૂતો વિકાસના વિરોધી નથી પણ ખેડૂતોના વિનાશના ભોગે આ વિકાસ અમને મંજુર નથી. તેમ અંતમાં જણાવી આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *