ઓપરેશન ગંગાજળ: 2025માં રાજ્યમાં 187 અધિકારીઓ સામે ભ્રસ્ટાચારના કેસ

રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા છેલ્લા એક વર્ષમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભામાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં નાયબ…

રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા છેલ્લા એક વર્ષમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભામાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી (ગૃહ) એ આંકડા જાહેર કર્યા છે. તા. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં રાજ્યના વિવિધ વિભાગોના કુલ 187 અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાંચ લેવાના આરોપસર કેસ નોંધાયા છે. આમાંથી 37 કેસમાં આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 101 કેસમાં તેઓને નિર્દોષ મુક્ત કરાયા છે. બાકીના કેસોમાં તપાસ ચાલુ છે.

એસીબીની આ કાર્યવાહીને ’ઓપરેશન ગંગાજળ’ તરીકે ઓળખવામાં આવી રહી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી. આંકડા અનુસાર, ક્લાસ-1ના 13 અધિકારીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે મહેસૂલ, આરોગ્ય, ઉર્જા અને નર્મદા વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારના 16 અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કેસ નોંધાયા છે, જે રાજ્યમાં કેન્દ્રીય વિભાગોમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની વ્યાપકતા દર્શાવે છે.

વિભાગવાર જોતાં, સૌથી વધુ ડાઘ ગૃહ વિભાગ પર પડ્યા છે. આ વિભાગમાં કુલ 63 અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગના ક્લાસ-3ના કર્મચારીઓ છે. ત્યારબાદ મહેસૂલ વિભાગમાં 27, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં 17 અને શિક્ષણ વિભાગમાં 10 કેસ નોંધાયા છે. અન્ય વિભાગોમાં પણ નાના-મોટા કેસ જોવા મળ્યા છે, જેમ કે નર્મદા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગમાં 9, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં 8, તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગમાં 7 કેસ.

વર્ગવાર વિગતો જોતાં, ક્લાસ-1માં 13, ક્લાસ-2માં 37, ક્લાસ-3માં 133 અને ક્લાસ-4માં 4 અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે ભ્રષ્ટાચાર મુખ્યત્વે નીચલા સ્તરના કર્મચારીઓમાં વધુ છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ તેમાંથી અછૂતા નથી.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીઓ રાજ્યમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેના પગલાંનો ભાગ છે. જોકે, વિપક્ષી ધારાસભ્ય અમિત ચાવડાએ આ આંકડા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “આ માત્ર ટોચના આંકડા છે, વાસ્તવિક ભ્રષ્ટાચાર વધુ ઊંડો છે અને તપાસમાં વિલંબને કારણે ઘણા કેસોમાં ન્યાય મળતો નથી.” આ તમામ કાર્યવાહીઓથી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની મુહિમને વેગ મળ્યો છે, પરંતુ હજુ પણ ઘણા વિભાગોમાં સુધારાની જરૂૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *