10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દા

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કાંકરો નીકળી જશે, તાલુકા-વોર્ડ પ્રમુખ પદ માટે 40 વર્ષ અને જિલ્લામાં હોદ્દા માટે 60 વર્ષની મર્યાદા વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા…

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કાંકરો નીકળી જશે, તાલુકા-વોર્ડ પ્રમુખ પદ માટે 40 વર્ષ અને જિલ્લામાં હોદ્દા માટે 60 વર્ષની મર્યાદા


વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા પક્ષનું બિરુદ મેળવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ હવે યુવાઓને રાજકીય સ્તરે સક્રિય કરવા માટે એક મહત્વનું કદમ ઊઠાવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં પક્ષના ચાલી રહેલા સંગઠન પર્વમાં હવે ડિસેમ્બર મહિનાથી બીજા તબક્કાનો આરંભ થઇ રહ્યો છે. આ તબક્કા પહેલાં ભાજપે સંગઠનમાં કેવા પ્રકારના કાર્યકરોની પસંદગી કરવાની તેના ધારાધોરણો જાહેર કર્યા છે.


એના કારણે વર્ષોથી સંગઠનમાં કામ કરતા કાર્યકરોને બદલે કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી આવેલા કાર્યકરો, નેતાઓ બારોબાર સંગઠનમાં ગોઠવાઇ જતા હતા એમને પણ ભાજપમાં દસ પંદર વર્ષ મહેનત મજૂરી કરવી પડશે. ભાજપે મંડલ સ્તરે 40 વર્ષ અને જિલ્લામાં 60 વર્ષની વયથી નાની ઉંમરના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનો ક્રાઇટેરિયા નિયત કરી પક્ષને યુવા પક્ષ બનાવવા તરફ પગલું ભર્યું છે. આ સાથે એટલે કે સંગઠનમાં સ્થાન માટે ભાજપે ન્યૂનત્તમ બે ટર્મ સુધી સક્રિય સભ્ય તરીકે મહેનત કરી હશે એમને જ પદ આપવાનો નિર્ણય કર્યો છે.


ભારતીય જનતા પાર્ટીમાં હાલ 54 હજારથી વધુ બૂથ કમિટીની રચનાનું કામ ચાલી રહ્યું છે અને 30 નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂરી થયા પછી સંગઠન પર્વના બીજા તબક્કાનો 5 ડિસેમ્બરથી આરંભ થશે, તેમ કહી પર્વના સંયોજક અને ધારાસભ્ય ઉદય કાનગડે વિગતો આપતાં કહ્યું કે, 5થી 15 ડિસેમ્બર દરમિયાન 580 મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયાને પૂરી કરવાનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરેથી નિયત થયો છે. આ સંદર્ભમાં કેવા પ્રકારે કામગીરી કરવી તેના અંગે બુધવારે કેન્દ્રીય જળશક્તિમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક કમલમ ખાતે મળી હતી.

આ બેઠકમાં રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય રાજદીપ રોય તથા સંગઠન મહામંત્રી રત્નાકર સહિત સંગઠન પર્વ સાથે જોડાયેલા કાર્યકરો હાજર રહ્યા હતા. એક પ્રશ્નના ઉત્તરમાં કાનગડે જણાવ્યું હતું કે, પભાજપ જ એક એવી પાર્ટી છે જેમાં બૂથ કમિટીમાંથી જિલ્લા, પ્રદેશ જ નહીં રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન બનાવવામાં આવે છે. ભાજપના સંસ્કાર જેનામાં હોય, પાંચ પંદર વર્ષ પક્ષ માટે મહેતન કરી હોય, પક્ષમાં એનું ઘડતર થયુ હોય એમને સંગઠનમાં સ્થાન આપવા જેવી સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી છે.

પાટીલે કહ્યું કે, હજુ થોડો સમય મને સહન કરવો પડશે
ગત સપ્તાહે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદ સુરતમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એવો સંકેત આપ્યો હતો કે, હવે તેઓ પ્રદેશ પ્રમુખનો તાજ નવા ચહેરાને સોંપવા માગે છે. આ અંગે રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વ સમક્ષ રજૂઆત પણ કરી દીધી છે. પરંતુ આજે કમલમ્ ખાતેની બેઠકમાં પાટીલે આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, હું ઇચ્છું છું કે મારી વિદાય થાય અને નવા કોઇ વ્યક્તિને તક મળે, વાવ જીત બાદ મારી વિદાય સારી લાગશે. પાર્ટીને મેં મુક્તિ આપવા માગણી કરી છે, પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સુધી તો તમારે મને હજુ સહન કરવો પડશે એમ લાગે છે.!

બે કરોડ સભ્યોનો લક્ષ્યાંક પૂરો ન થતા પાટીલ નારાજ
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવા બે કરોડ જેટલા પ્રાથમિક સભ્યો બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો. આ માટે તેમણે તેનો માર્ગ પણ સૂચવ્યો હતો કે, કેવી રીતે વિધાનસભા-લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જેમણે મત આપ્યો છે એમનો વ્યક્તિગત સંપર્ક કરી એમને સમજાવીને સભ્ય બનાવી શકાય. જોકે 1.15 કરોડ જેટલા જ સભ્યો બની શક્યા છે. આથી આજની બેઠકમાં પાટીલે ટોણો માર્યો હતો કે, તમને બે કરોડ કાર્યકરો બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ એ ન થઇ શક્યો એટલે દોઢ કરોડનો ટાર્ગેટ કર્યો એમ છતાં તેને હાંસલ કરી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *