મહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપો

જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતા જગવિખ્યાત મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ વખતે નીકળતી પરંપરાગત રવેડીના સ્વરૂૂપ અંગે વિવાદ છેડાયો છે. અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાધુ-સંતોએ મુખ્યમંત્રીને પત્ર…

જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતા જગવિખ્યાત મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ વખતે નીકળતી પરંપરાગત રવેડીના સ્વરૂૂપ અંગે વિવાદ છેડાયો છે. અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાધુ-સંતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને એવી માંગ કરી છે કે આ રવેડીમાં માત્ર અધિકૃત સાધુ-સંતો જ જોડાય. મેંદરડાના ખાખી મઢીના સંતે પણ રવેડીમાં સંસારીઓના વધતા જમાવડા અંગે ઉગ્ર નારાજગી દર્શાવી છે.
સંતોનો મુખ્ય આક્ષેપ છે કે શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી આ પવિત્ર રવેડીમાં હવે ભગવા વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સંસારી લોકો જોડાઈ રહ્યા છે.

આ પ્રવૃત્તિને સનાતન ધર્મની પરંપરાઓનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. રવેડીના દર્શન કરવા આવતા લાખો શ્રદ્ધાળુઓના મનમાં સાધુઓ પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે, પરંતુ જ્યારે સંસારી લોકો સાધુના વેશમાં રવેડીમાં જોડાય છે ત્યારે ભાવિકોની લાગણીને ઠેસ પહોંચે છે.

સાધુ-સંતોના જણાવ્યા અનુસાર, પ્રાચીન સમયમાં આ રવેડીમાં માત્ર જૂના અખાડા, અગ્નિ અખાડા, આહવાન અખાડાના મહામંડલેશ્વરો, નાગા સાધુઓ અને સાધ્વીઓ જ જોડાતા હતા. આ એક આધ્યાત્મિક પ્રક્રિયા હતી જેમાં કઠોર તપસ્યા કરનાર સાધુઓ જ ભાગ લેતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સામાજિક લોકોની સંખ્યા રવેડીમાં વધી ગઈ છે, જેને કારણે આ વર્ષે ઘણા ખરા સાચા સાધુ-સંતો રવેડીથી અળગા રહ્યા હતા.
ધાર્મિક સંસ્થાઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે આગામી વર્ષથી રવેડીમાં માત્ર જે તે અખાડાના સાધુ-સંતો જ હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે. ભવનાથની પવિત્રતા અને રવેડીની ગરિમા જાળવી રાખવા માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો બનાવવાની માંગણી કરવામાં આવી છે, જેથી સનાતન સંસ્કૃતિની આ વિશિષ્ટ પરંપરામાં કોઈ ખલેલ ન પહોંચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *